ગજબ ચોર ! માત્ર ઘરેણા જ ચોર્યા, રોકડ નહીં !
સાળાને ત્યાં સગાઈ-લગ્નમાં આવેલા જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મચારીના થેલામાંથી ૨.૪૫ લાખના દાગીના ચોરાયાની ફરિયાદ
ઘરનું જ કોઈ હાથ સાફ કરી ગયાની શંકા
સામાન્ય રીતે કોઈ તસ્કર ક્યાંય ચોરી કરવા જાય એટલે હાથમાં આવે એટલું બધું જ લઈ જઈને ફરાર થતો હોય છે પરંતુ અમુક તસ્કરો એવા પણ છે જેઓ ઘરેણા સહિતની કિંમતી જર-ઝવેરાત જ ચોરવાનો આગ્રહ રાખતા હોય છે ! આવી જ ઘટના શહેરના પેરેડાઈઝ હોલ પાસેના શ્રી રેસિડ એપાર્ટમેન્ટમાં બની છે જ્યાં તસ્કરે માત્ર ઘરેણા જ ચોર્યા છે અને રોકડને હાથ પણ લગાડ્યો નથી !
જૂનાગઢના આઝાદ ચોકમાં માળીના ડેલામાં રહેતા અને મનપામાંથી નિવૃત્ત થયેલા ચેતનભાઈ હિંમતલાલ ભટ્ટે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ, તેમના પત્ની અને પુત્રી રૈયા રોડ પર ધ્રુવનગર શેરી નં.૧માં રહેતા શૈલેષભાઈ જાનીના પુત્ર શુભમની સગાઈ અને લગ્નનો પ્રસંગ હોય તેમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જૂનાગઢથી એક થેલામાં ૨.૪૫ લાખના સોનાના ઘરેણા તેમજ રૂા.૩૧,૦૦૦ની રોકડ સાથે લાવ્યા હતા.
દરમિયાન પીઠી સહિતનો પ્રસંગ પૂર્ણ કરીને શૈલેષભાઈ, તેમના પત્ની અને પુત્રી બનેવી જયેશભાઈ પ્રવીણચંદ્ર જાની કે જેઓ શ્રી રેસિડ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૧માં રહે છે ત્યાં રાત્રે સૂવા માટે ગયા હતા અને ઘરેણા-રોકડ ભરેલો થેળો ગેસ્ટ રૂમમાં રાખ્યો હતો. બીજા દિવસે સાળાના દીકરાના લગ્નની કાર શણગારવાની હોય ચેતનભાઈ ઘેરથી નીકળી ગયા હતા. આ પછી દીકરી પલકનો ફોન આવ્યો હતો કે ઘરેણાનું બોક્સ ગાયબ થઈ ગયું છે અને થેલામાં માત્ર ૩૧,૦૦૦ રૂપિયા જ પડ્યા છે. આ પછી સરખી રીતે થેલો ચેક કરતા તેમાંથી ઘરેણાની ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસે ચેતનભાઈની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ ચોરીને ઘરના જ અથવા તો કોઈ જાણીતાએ જ અંજામ આપ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.