સુરેન્દ્રનગર પાસે ગોઝારો અકસ્માત : ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત
બાઇક પર ત્રિપલ સવારીમાં નોકરીએ જતાં યુવકોને ડમ્પરે ઠોકર મારતા કાળનો કોળિયો બન્યા
ડમ્પરે યુવકો સાથે બાઇકને 50 મીટર સુધી ઢસડતા હાઇ-વે પર લોહીના ખાબોચીયા ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો છે.સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર આવેલા વિઠ્ઠલગઢ નજીક પુરપાટ ઝડપે દોડી આવતા ડમ્પર ચાલકે ત્રિપલ સવારીમાં બાઇક પર જતાં યુવકોને ઠોકર મારતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે.જ્યારે ડમ્પરે યુવકો સાથે બાઇકને 50 મીટર સુધી ઢસડતા હાઇવે પર લોહીના ખાબોચીયા ભરાયા હતા.
મળતી વિગતો મુજબ લખતર-વિરમગામ હાઇવે પર આવેલા વિઠ્ઠલગઢ ગામ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવક દલિત સમાજના હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મૃતક ગૌતમભાઈ દેવીદાસ પરમાર અને જીગાભાઈ કિસાભાઈ બાવળિયા વિઠ્ઠલગઢનાં અને ત્રીજો યુવક અશોકભાઇ મફાભાઈ સેનવા વિરમગામ તાલુકાના ધુલેટા ગામનો વતની હતો.અને ત્રણેય યુવકો એક સાથે નોકરી પર જતાં હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માતમાં બાઇકને ડમ્પરે રોડ પર 50 મીટરથી વધારે ઢસડ્યું હોવાથી રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા હતા.ઘટનાની જાણ થતા લખતર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતદેહને લખતર સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. જ્યારે આ અકસ્માત સર્જી નાશી છૂટેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.