અમદાવાદ એરપોર્ટ ઉપર એક વર્ષમાં ૭૦ કરોડનું સોનુ જપ્ત
કસ્ટમ્સ દ્વારા કુલ ૧૩૫ કિલો સોનું રીઝર્વ બેન્કમાં જમા કરાવાયુ : ૫૦ લાખ રૂપિયા કે તેથી વધુ કિંમતના સોનાની દાણચોરી કરવા બદલ ૩૭ લોકોની ધરપકડ
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ઉપરથી એક વર્ષમાં ૭૦ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે દાણચોરીથી લાવવામાં આવેલું આ 135 કિલો સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યું છે, જે અમદાવાદ એરપોર્ટ પરથી તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સોનાની હેરાફેરી કરતા ઘણા પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી 37 પેસેન્જર પાસેથી 50 લાખ કે તેનાથી વધુ કિંમતનું સોનું ઝડપાયું હતું.
અમદાવાદ એરપોર્ટ પર સોનાની હેરાફેરીના કેસ વધી રહ્યા છે. હેરાફેરી કરતા સર્કલના લોકો કસ્ટમ અને સેન્ટ્રલ સીક્યુરિટી એજન્સીને છેતરવાના વિવિધ ઉપાયો કરે છે. પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ જાય છે. કસ્ટમ વિભાગના સતર્ક અધિકારીઓ સતત હેરાફેરી કરનાર અને તેમના સામાનને પકડી પાડે છે.
નાણાકીય વર્ષના અંતમાં એરપોર્ટ પરથી હેરાફેરીમાં જપ્ત કરાયેલ સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સોંપવામાં આવ્યું છે. એમ કસ્ટમ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ અધિકારીએ કહ્યું હતું કે, “કસ્ટમ્સ કાયદા હેઠળ, ડ્યુટી ચૂકવ્યા વિના વધારાનું સોનું લાવવા પર 38.5 ટકા ડ્યુટી અને દંડ લાગે છે, રૂ. 50 લાખથી ઓછા મૂલ્યનું સોનું પકડાય તો તેને જપ્ત કરીએ છીએ અને મુસાફરને છોડી દઈએ છીએ. પરંતુ રૂ. 50 લાખ કે તેથી વધુ મૂલ્યનું સોનુ લાવનાર કોઈપણને ધરપકડનો સામનો કરવો પડે છે.”
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા પકડાયેલા મોટાભાગના મુસાફરો દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબી જેવા ખાડી દેશોમાંથી આવે છે.