માલવિયા ચોક પાસે આવેલી હોટેલ નોવા ક્રોસ રોડનો બનાવ: યુવતીએ લગ્નનું કહેતાં જ શખ્સે ફડાકા ઝીંક્યા
રાજકોટમાં દુષ્કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે જેમાં લગ્નની લાલચ આપીને યુવતી ઉપર તેના પ્રેમીએ પાંચ વર્ષ સુધી દેહ ચૂંથ્યે રાખ્યો હતો. આખરે પ્રેમીએ લગ્ન કરવાનો ઈનકાર કરી દેતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે દેવનગરમાં મારવાડી બિલ્ડિંગની સામે રહેતી ૨૩ વર્ષીય યુવતી કે જે ઘરકામ કરે છે તેના ઉપર રાહુલ રાજુભાઈ ઉર્ફે જગદીશ પરમાર નામના શખ્સે ૨૦૨૦થી ૨૦૨૫ સુધી એમ પાંચ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. રાહુલ ઉર્ફે જગદીશે યુવતી સાથે મીત્રતા કેળવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. આ પછી પાંચ વર્ષ દરમિયાન શરીર સંબંધ પણ બાંધ્યો હતો. તેણે માલવિયા ચોક પાસે આવેલી હોટેલ નોવા ક્રોમ રોડમાં યુવતીને લઈ જઈ દેહ અભડાવ્યો હોવાનું પણ યુવતીએ ફરિયાદમાં જણાવતાં એ-ડિવિઝન પોલીસ હોટેલ ઉપર પણ દોડી ગઈ હતી.
રાહુલ ઉર્ફે જગદીશ પાંચ વર્ષથી લગ્નના વાયદા કરી રહ્યો હોય યુવતીએ કંટાળી જઈને આખરે તેને લગ્ન ક્યારે કરશે તેવું પૂછતાં રાહુલે તેની સાથે ઝઘડાો કરી ફડાકા મારી દેતાં યુવતી સાથે બનાવટ થયાનું ખુલતાં જ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવિઝન પોલીસે યુવતીની ફરિયાદના આધારે રાહુલ ઉર્ફે જગદીશ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.