રાજકોટમાં જુગારના પાટલા મંડાવાનું શરૂ
કોઠારિયા રોડ, પરિન ફર્નિચર પાછળ આગમન રેસિડેન્સી, મવડી ગામે પ્રમુખ એક્ઝોટિકા એપાર્ટમેન્ટ અને કિટીપરામાં દરોડા
૮ મહિલા સહિત ૨૬ જુગારી ૧.૦૩ લાખના મુદ્દામાલ સાથે પકડાયા
શ્રાવણ મહિનો શરૂ થયા પહેલા શહેરમાં જુગારના પાટલા મંડાવાનું શરૂ થઈ ગયું છે.ત્યારે પોલીસે કોઠારિયા રોડ, પરિન ફર્નિચર પાછળ આગમન રેસિડેન્સી, મવડી ગામે પ્રમુખ એક્ઝોટિકા એપાર્ટમેન્ટ અને કિટીપરામાં દરોડા પાડીને ૮ મહિલા સહિત ૨૬ જુગારીઓને દબોચી રૂ.૧.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દરોડોની વીગતો અનુસાર, શહેરના કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિ પાર્કમાં બ્લોક નં બી ૫૧ માં રહેતો અમરજીતસિંહ કિરીટસિંહ જાડેજાના મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને સંચાલક સહિત ૭ શખસોની ધરપકડ કરી હતી તેમજ રૂ.૬૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં એલસીબી ઝોન ૨ની ટીમે કીટીપરામાં જાહેરમાં જુગાર રમતા ૩ શખસનો દબોચી રૂ.૧૦.૩૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તાલુકા પોલીસે મવડી ગામ નજીક આવેલા પ્રમુખ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગાર કલબ પર રેઇડ કરીને સંચાલિકા હીનાબેન કાસોદરીયા સહિત પત્તાટીચતી ૮ મહિલાઓની ધરપકડ કરી રૂ.૧૮.૪૦૦ની રોકડ કબ્જે કરી હતી.તેમજ પરવીન ફર્નિચર પાછળ આવેલા આગમન રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને આઠ શકુમીઓને દબોચી લઈ રૂ.૧૯.૬૨૦ ની રોકડ કબ્જે કરી હતી