જુગારનો હિસાબ હવે ગૂગલ-પે, ફોન-પે ઉપર !!
સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલી જુગાર ક્લબમાં ૧૨.૨૮ લાખનો ઓનલાઈન પેમેન્ટની લેતી-દેતી મળી
પોલીસની રેડ પડે એટલે ફિલ્ડ'માં વધુ રોકડ ન મળે તે માટે ક્લબ સંચાલકે અજમાવ્યો'તો નવતર કીમિયો: સુરેન્દ્રનગરના ચાર સહિત ૩૩ જુગારી પકડાયા
રાજકોટ સહિત આખા ગુજરાતમાં દરરોજ લાખો રૂપિયાનો જુગાર પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જુગાર ક્લબ ઉપર પોલીસ દરોડો પાડે એટલે મોટી સંખ્યામાં રોકડ મળી આવતી હોવાને કારણે તે કેસ
ક્વોલિટી’ કેસ ગણાતો હોય છે સાથે સાથે જુગારીઓને પણ છૂટવામાં તકલીફ પડતી હોય છે ત્યારે ઘણીખરી ક્લબમાં ટોકન આધારિત જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે પરંતુ હવે ઓનલાઈન પેમેન્ટ થકી જુગાર રમાડતી એક ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.વી.પટેલે પાટણ જિલ્લાના ચાણસમા ગામે નવજીવન સ્પોર્ટસ ક્લબ કે જે પાટણ રોડ નજીક આવેલું છે ત્યાં દરોડો પાડીને સુરેન્દ્રનગરના ચાર સહિત ૩૩ જુગારીઓને પકડી પાડ્યા હતા. આ ક્લબમાં તીનપત્તી સહિતનો જુગાર રમાતો હતો.
પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ત્યારે રોકડ માત્ર ૮૫૯૫૦ રૂપિયા જ હાથ લાગી હતી પરંતુ ક્લબમાં જ જુગારીઓ સાથે પૈસાની લેતી-દેતી કરવા માટે સંચાલક પાર્થ ઉર્ફે પિન્ટુ હસમુખભાઈ પટેલ દ્વારા ગૂગલ-પે અને ફોન-પેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ૧૨,૨૮,૨૩૭ રૂપિયાની લેતી-દેતી થઈ હોવાનું ખુલ્યું હતું.
પાર્થ પટેલ દ્વારા કોઈ જુગારી જુગાર રમવા આવે એટલે તેને એન્ટ્રી આપી દેવામાં આવતી હતી અને ફિલ્ડમાં બેસાડી દેવામાં આવતો હતો. આ પછી દરેક જુગારી ઉપર નજર મતલબ કે તે કેટલા પૈસા હારે છે અને કેટલા પૈસા જીતે છે તેનું ધ્યાન રાખવા માટે માણસો ગોઠવ્યા હતા. જેવો જુગારી ઉભો થાય અને કેશિયર પાસે હિસાબ કરાવવા જાય એટલે રોકડની જગ્યાએ ફોન-પે અને ગૂગલ-પે જ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ ક્લબ છેલ્લા એક મહિનાથી ધમધમી રહી હોવાની આશંકા પ્રારંભિક તપાસમાં સામે આવી છે.
વળી, જુગાર ક્લબમાં દરેક જુગારીનો હિસાબ કરવા માટે કેલ્ક્યુલેટર પણ રાખવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૨,૨૮,૨૩૭ની લેતી-દેતી કરાયેલું ફોન-પે અને ગૂગલ-પેનું મશીન, ૧૪.૬૫ લાખના વાહન, ૧.૭૪ લાખના ૩૭ મોબાઈલ, ચાર ટેબલ, ૨૫ ખુરશી, ડીવીઆર, કેલ્ક્યુલેટર સહિત ૧૭,૩૭,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આઠ લોકોને ફરાર જાહેર કરાયા હતા તો ૩૩ની ધરપકડ કરાઈ હતી. સુરેન્દ્રનગરથી જે જુગારી છેક પાટણ રમવા ગયા હતા તેમાં શાહરૂખ યાસીનભાઈ સૈયદ (રહે.પાટડી), જાવેદ હસનભાઈ ભટ્ટી (રહે.પાટડી), ઈબ્રાહિમ મુલકભાઈ કુરેશી (રહે.પાટડી), રઘુ સોમાભાઈ પરમાર (રહે.પાટડી)નો સમાવેશ થાય છે.