જુગારીઓની બાજી બગડી : ૯ દરોડામાં ૩ મહિલા સહિત ૬૦ ઝડપાયા
પડધરી,ભાયાવદર, જેતપુર, ધોરાજી,જામકંડોરણા, મેટોડા, ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયા ગુના : રૂ.૨.૨૯ લાખની રોકડ કબજે કરાઈ
શ્રાવણીયા તહેવારો શરૂ થતાં જ જુગારીઓ પાટલો માંડી બાજી લગાવવા બેસતાં હોય છે ત્યારે પોલીસ પણ આ જુગારના રંગમાં ભંગનું કામ કરી રહી છે.રાજકોટ જિલ્લામાં પડધરી,ભાયાવદર, જેતપુર, ધોરાજી,જામકંડોરણા, મેટોડા, ગોંડલ તાલુકા પોલીસે ૯ દરોડા પાડીને ૩ મહિલા સહિત ૬૦ પત્તાપ્રેમીઓને દબોચી રૂ.૨.૨૯ લાખથી પણ વધુની રકમ કબ્જે કરી હતી.
દરોડોની વીગતો મુજબ, પીપળવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી જેતપુર તાલુકા પોલીસે રૂ ૪૫૯૭૦ ની રોકડ કબજે કરી હતી. તેવી જ રીતે ધોરાજી પોલીસે રસુલપરા અને માતાવાડી વિસ્તારમાં દરોડો પાડીને ત્રણ મહિલા સહિત ૧૨ જુગારીઓને ઝડપી રૂ.૪૮૩૦૦ની રોકડ કબજે કરી હતી. જયારે જામકંડોરણા પોલીસે પણ બે દરોડામાં ૧૨ શખ્સની ધરપકડ કરી રૂ. ૨૮૪૦૦ ની રોકડ કબજે કરી હતી.
મેટોડા પોલીસે હરીપરપાળ ગામે આરોપી રાજેશ ચંચાણીયાના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડીને ૧૧ શખસોને દબોચી લીધા હતા અને રૂ.૩૦.૭૫૦ની રોકડ કબજે કરી હતી. ત્યારે ગોંડલ તાલુકા પોલીસે ચરખડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ને પકડી રૂ.૩૦૨૫૦ કબ્જે કર્યા હતા. પડધરી પોલીસે સરપદડની સરદારનગર સોસાયટીમાં જાહેરમાં જુગારનો પાટલો લગાવી બેસેલા ૮ ને ઝડપી રૂ.૨૪૨૦૦ કબ્જે કરી હતી. તેમજ ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે આંબરડી નેહ હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને દબોચી રૂ. 21,350 ની રોકડ કબજે કરી હતી.