૩ કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી લાલજી ઢોલાના ફર્ધર રિમાન્ડ રદ
રાજકોટના શખ્સ સાથે ગૌશાળા અને મંદિર બનવવાના નામે સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીએ ૩ કરોડથી વધુ છેતરપિંડી આચરતા ગુનો નોંધાયો હતો.જે કેસમાં પોલીસે ધરપકડ કરેલ આરોપી લલાજી ઢોલાના રિમાન્ડ પૂર્ણ થતાં ફર્ધર રિમાન્ડ મેળવવા કરેલી અરજી અદાલતે રદ કરી હતી.
શહેરના મવડી વિસ્તારના નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે જમીન-મકાનની ઓફિસ ધરાવતા જસ્મીનભાઈ માઢકે દ્વારા કરવામાં આવેલી ૩ કરોડની ફરિયાદીના પોલીસે વિજય પ્રકાશ ઉર્ફે પીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી, માધવપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ધોરી, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સામે ૩ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
રાજકોટ આર્થિક ગુનો નિવારણ શાખા દ્વારા સુરતના આરોપી લાલજી ઢોલાની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરતા અદાલતે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે અવધી પૂરી થતાં પોલીસે વધુ રિમાન્ડ મેળવવા અરજી કરી હતી. જે અરજી સામે આરોપીના વકીલે વાંધા અરજી રજૂ કરીને કરેલી ધારદાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને સેશન્સ કોર્ટે આરોપી લાલજી ઢોલાના ફર્ધર રિમાન્ડ રદ કરતો હુકમ કર્યો હતો.
આ કામે આરોપી લાલજી ઢોલા વતી યુવા એડવોકેટ કેવલ પુરોહિત, તન્વી ભદ્રેશભાઈ શેઠ પુરોહિત, ધુર્વીલ કે. ભીમાણી તથા મદદમાં સમીર મન્સૂરી રોકાયેલ હતા.