જર્મનીની મહિલા સાથે શેરબઝારમાં રોકાણના નામે રૂ.55.91 લાખની છેતરપિંડી
NRI મહિલાની પાવર ઓફ એટર્નીને આધારે ધર્મના ભાઈએ દંપતી સામે નોંધાવેલી ફરિયાદ
જર્મનીથી રાજકોટ આવેલ એન. આર. આઈ મહિલા સાથે રૂ.55.91 લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એંજલ બ્રોકિંગમાં બ્રોકર તરીકેઓળખ આપી સોશિયલ મીડિયાથી પરિચયમાં આવેલા બંગાળના દંપતીએ શેરબજારમાં રોકાણના નામે મહિલા સાથે છેતરપીંડી કરીહોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
રાજકોટમાં નાનામવા રોડ પરની ત્રિપદા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ જયંતીભાઈ વિડજા (ઉ.વ.35)એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પશ્ચિમ બંગાળના સબ્યાસાચી ગીરી અને તેની પત્ની રીટામંડલ સબ્યાસાચી ગીરીનું નામ આપ્યું હતું. વધુમાં રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓડિશાના વતની અને જર્મની રહેતા તેમના ઘર્મના બહેન મોનાલીબેન મિશ્રાએપ્રિલ 2022માં મોનાલીબેન રાજકોટ આવ્યા હતા ત્યારે રાજેશભાઈને કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો પરિચય પશ્ચિમ બંગાળના સબ્યાસાચી સાથે થયો હતો અન સબ્યાસાચીએ પોતાની ઓળખ એંજલ બ્રોકિંગમાં બ્રોકર તરીકે આપી હતી. શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેવી વાત કરી મોનાલીબેનને તેણે વિશ્વાસમાં લીધા હતા. બાદમાં મોનાલીબેન ઓડિસા ગયા હતા ત્યારે સબ્યાસાચી અને તેની પત્ની રીટામંડલ તેમને ત્યાં મળ્યા હતા અને શેરબજારમાં રોકાણની વાત કરી રૂ.55.91 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદ દંપતીએ યોગ્ય વળતર નહિ આપતા અંતે મોનાલીબેને તેમના ધર્મના ભાઈ રાજેશભાઈને પાવર ઓફ એટર્ની તરીકે પાવર આપ્યો હતો અને રાજેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.