રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાર ખરીદવા-વેચવાના નામે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા હોય તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. યુવકે કાર ખરીદવા માટે 5.50 લાખ આપ્યાને બે વર્ષ વીતી જવા છતાં તેને કાર કે પરત પૈસા કશું જ ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ફૂલછાબ ચોકમાં સ્ટાર પ્લાઝામાં ઓફિસ બોય તરીકે નોકરી કરતા સંદીપ સવજીભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણે 2023માં કાર લેવાની હોય મિત્રને વાત કરતા તેણે 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોકડી પાસે આવેલા માધવ ઓટો એન્ડ ફાયનાન્સના મયુર મગનભાઈ માલા સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી મયુરે અર્ટિગા કારનું 12.65 લાખનું ક્વોટેશન કાઢી આપ્યા બાદ 5.50 લાખ રૂપિયા લીધા હતા.
આ પણ વાંચો :હવે કોર્પોરેશન અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી SIR બાદ: ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત થશે પૂર્ણ
પૈસા આપ્યાને 20 દિવસ થઈ જતા મયુરે કાર આપી ન્હોતી. આ પછી મહિનાઓ સુધી વાયદા કર્યે રાખતા તેને પૈસા પરત આપવાનું કહ્યું હતું જેથી તેણે 50,000 પરત આપ્યા હતા અને બાકીના પાંચ લાખની રકમના પાંચ ચેક લખી આપ્યા હતા જે રિટર્ન થયા હતા. આ પછી સમાધાન પેટે મયુરે 28-6-2024 સુધીમાં પાંચ લાખ પરત આપી દેશે તેવું લખાણ કરી આપ્યું હતું અને ત્રણ ચેક આપ્યા હતા જે પણ રિટર્ન થતા આખરે કોર્ટ કેસ કરાયો હતો. બીજી બાજુ સંદીપે મયુર માલા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવતા પોલીસે પણ ગુનો દાખલ કર્યો હતો.
