પૂર્વ ભાગીદારોએ યુવકના નકલી દસ્તાવેજ બનાવી 40 લાખની કાર વેચી મારી
ધંધો સાથે શરૂ કરતાં કારની ખરીદી કરી હતી : ભાગીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં તેઓ યુવકની જાણ બહાર કાર મુંબઈના શખસના નામે કરી નાખી
રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર મુંબઈ વેચી નાખતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ ઢેબર રોડ પર રહેતા ક્રિપાલસિંહ મનોહરસિંહ જાડેજાએ પોતાની ફરીયાદમા પુર્વ ભાગીદાર કૃણાલ નવીનભાઇ પાટડીયા (રહે. કૃષ્ણનગર શેરી નં 3, બગીચાની સામે,સ્વામિનારાયણ ચોક),ગજેન્દ્રસિંહ વાળા (રહે. ભાવનગર), ઇમરાન (રહે. થાણ,મુંબઇ) અને નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી આપનાર અજાણ્યા ફોટા વાળો વ્યકિત વિરૂધ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓએ મિત્રો સાથે મળી 2022 મા નાના મવા રોડ પર નાઇન સ્કવેર નામની બિલ્ડીંગમા એક કંપની ચાલુ કરી હતી. ત્યારે 40 લાખમા કાર ખરીદી હતી જેમાથી 24 લાખ રૂપિયાની બેંક લોન લીધી હતી અને 16 લાખ રૂપિયા રોકડા ચુકવ્યા હતા. ત્યારબાદ કંપનીના સંચાલકો વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની ફરીયાદ ક્રાઇમ બ્રાંચમા થતા બધા ભાગીદારો ભાગી ગયા હતા.બાદ તા.18-6 ના રોજ પિતાજીનુ અવસાન થતા ક્રિપાલસિંહને પોતાની ગાડીની જરૂર હોય જેથી આ ગાડી કૃણાલભાઇ પાસે હોય ગાડીની માંગણી કરતા કૃણાલે જવાબ સરખા આપ્યા ન હતા
ત્યારબાદ છેતરપીંડીના ગુનામા ક્રિપાલસિંહ ક્રાઇમ બ્રાંચમા હાજર થયા હતા બાદમા ક્રિપાલસિંહે પોલીસ કમિશનરમા અરજી આપી હતી. તેમજ 12-7-23 ના રોજ બેંક દ્વારા નોટીસ મળતા જાણવા મળ્યુ હતુ કે ગાડીનો બોજો હટાવી ગાડી આરટીઓમાંથી મહારાષ્ટ્ર આરટીઓમા ટ્રાન્સફર કરવાની અરજી કરેલ છે. ત્યારે જાણવા મળ્યુ કે બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી ક્રિપાલસિંહના નામની ગાડી મુંબઇ રહેતા મહંમદ વસીમ શેખ, એ પોતાના નામે કરવાની અરજી આરટીઓમા આપી હોય આ મામલે ટોળકીએ ખોટા સોગંદનામા અને ખોટા દસ્તાવેજો ઉભા કરી આરટીઓમાં આપી 40 લાખની ગાડી પડાવી લેતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે.