પુર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢના પોલીસ ઇન્સ્પેકટરનો હુમલો
કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં બન્યો બનાવ: “સરદાર ધામમાં શા માટે ઉપપ્રમુખ બન્યો, તું ગદાર છો” કહી ઝગડો કરી ઢોર માર માર્યો: લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા
રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ: હોસ્પિટલ પર પટેલ આગેવાનોના ટોળા ઉમટ્યા
રાજકોટમાં રહેતા પૂર્વક કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ એવા જયંતિ સરધારા પર જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર હિચકારો હુમલો કરતા તેઓને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ પટેલ આગેવાનોના ટોળા હોસ્પિટલને ઉમટી પડ્યા હતા. જયંતિ સરધારાએ હુમલા મામલે કહ્યું હતું કે પોતે સરદાર ધામમાં ઉપપ્રમુખ બન્યા તે મુદ્દે ઝગડો કરી પી.આઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ રામ પાર્ક શેરી નંબર ૧ રહેતા અને જુના વોર્ડ નંબર ૨૩ માં પૂર્વ કોર્પોરેટર તેમજ હાલમાં સરદાર ધામના જયંતીભાઈ સરધારા (૫૭) એ અક્ષેપો કરતા તેમજ વિગત આપતા જણાવ્યું હતું કે, પોતે કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં પરિચિત ના લગ્ન પ્રસંગમાં ગયા હતા તે સમયે તેમની પાસે જૂનાગઢમાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો સંજય પાદરીયા નામનો પોલીસ ઇન્સ્પેકટર આવ્યો હતો.અને કહ્યું હતું કે,તું શા માટે સરદાર ધામમાં ઉપપ્રમુખ બન્યો તુ ગદ્દાર છે, તેમ કહીને બોલાચાલી કરી હતી. અને જો બહાર નીકળો તો મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો.
થોડીવાર બાદ જયંતીભાઈ પાર્ટી પ્લોટ ની બહાર નીકળતા પાર્કિગમાં જ પીઆઇ સંજય પાદરીયા કારમાં ઉભો હતો અને જયંતીભાઈ પાસે આવીને ઝગડો કરવા માંડ્યો હતો તેમ જ ઉપપ્રમુખ પદ રાજીનામું આપી દેવાની ધમકી આપી રહ્યો હતો.
અને પોતાના પાસે રહેલી રિવોલ્વર કાઢીને જયંતીભાઈ મોઢા પર મારી દીધી હતી. જેથી તેઓ બેભાન થઈને ઢળી પડતા સંજય પાદરીયા એ તેમને ઢીકા પાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોરી આવતા સંજય પાદરિયાને પકડી રાખ્યો હતો અને અન્ય યુવકો દ્વારા જયંતીભાઈને સારવાર હેઠળ ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતા જ તાલુકા પોલીસ નો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જયંતીભાઈ ની ફરિયાદ પરથી ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી. તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતા જ પટેલ આગેવાનોનું ટોળું હોસ્પિટલે દોડી આવ્યું હતું અને આરોપીને પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.