લાંચના કેસમાં જિલ્લા પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઇજનેરને ત્રણ વર્ષની સજા
વર્ષ ૨૦૧૦માં કોન્ટ્રાક્ટર પાસેથી બાકી રહેલા બિલ ચૂકવી આપવા માંગી ‘તી રૂ.૧૦ હજારની લાંચ
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઈજનેર વર્ષ ૨૦૧૦માં કોન્ટ્રાક્ટર પાસેથી બાકી રહેલા બિલની ચુકવણી માટે રૂ.૧૦ હજારની લાંચ માંગી હતી.જેમાંથી રૂ.૫ હજારની લાંચ સ્વીકારતા ઈજનેરને એન્ટીકરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી લીધો હતા. જે કેસમાં અદાલતે આરોપી ઈજનેર ભરત કાછડીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.
આ કેસની હકીકત મુજબ, ફરિયાદી લક્ષ્મણભાઈ મોહનભાઈ સિંધવ વર્ષ 2010 માં રાજકોટ તાલુકાના પાડાસણ અને મેસવાડા ગામના તળાવ ઊંડા કરવાનું લીધું હતું. જે કામ પૂર્ણ થતાં ફરિયાદીને જીલ્લા પંચાયત તરફથી રૂ. ૧૬ લાખ ચૂકવી આપેલા હતા.જ્યારે ૨.૫૦ લાખ રૂપિયા બાકી હતા ત્યારે સિંચાઈ વિભાગના એસ.ઓ. તરીકે કામ કરતા ભરતભાઇ નગરભાઈ કાછડીયા અને તેના સહકર્મી પરસોડભાઈએ રૂપિયા દસ દસ હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એન્ટીકરપ્શન બ્યુરોને જાણ કરતા પોલીસે ટ્રેપ ગોઠવતા આરોપી ભરત કાછડીયા લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.
આ કેસ ચાલવા પર આવતા ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થયેલ અને તેઓએ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી કે,આરોપી ભરત કાછડીયાએ લાંચની માંગણી કરી ન હતી પરંતુ પરસોડા વતી રકમ સ્વીકારી હતી.જેને સામે સરકાર પક્ષે સરકારી વકીલ કરેલી દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ખાસ અદાલતના જજ એસ.વી.શર્માએ આરોપી ભરત કાછડીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલા હતા.