ફૂડ ડીલેવરી બોયનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો : પરિવારનો હત્યાનો આક્ષેપ
24 કલાકથી લાપતા થયા બાદ જનકલ્યાણ હોલ પાસેના નાલામાં વિચિત્ર રીતે ગળેફાંસો ખાધેલી હાલતમાં પોલીસને લાશ મળતા ફોરેન્સિક પીએમ કરાવાયું
ઘરેથી કામ પર જવાનું કહી નીકળ્યા બાદ મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરક
રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે શિવપરા સોસાયટીમાં રહેતા અને ફૂડ ડિલેવરીનું કામ કરતો યુવક પોતાના ઘરેથી 24 કલાક પહેલા કામે જવાનું કહી નીકળ્યા બાદ લાપતા બન્યો હતો જેથી પરિવારે પોલીસમાં જાણ કરી હતી.બાદમાં ગઇકાલે વહેલી સવારે જનકલ્યાણ સોસાયટી પાસેના નાલામાં લોખંડની રેલિંગ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અને તેના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતાં તેના મૃતદેહની ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.
વિગતો મુજબ હનુમાન મઢી ચોક પાસે શિવપરા સોસાયટીમાં રહેતો અને ફૂડ ડિલેવરીનું કામ કરતો ચનાભાઈ ઉર્ફે ગોપાલભાઈ નવઘણભાઈ પરમાર નામનો 20 વર્ષીય યુવક પોતાના ઘરેથી પોતે કામ પર જાય છે. તેવું કહીને નીકળ્યો હતો. અને બાદમાં ઘરે પરત ન આવતા તેમના પરિવારજાનો દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ગુમ નોંધ કરવવામાં આવી હતી અને ગુમ નોંધ થતાં જ પોલીસ તેની શોધખોળમાં લાગી હતી. ત્યારે પોલીસને તેનો મૃતદેહ જનકલ્યાણ સોસાયટી પાસેના નાલામાં લોખંડની રેલિંગ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેના પરિવારને જાણ કરી હતી અને તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો. જ્યારે પરિવારની પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે,મૃતક ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે યુવકના મોત મામલે પરિવારે યુવકની કોઈ દ્વારા હત્યા કર્યા હોવાનો આક્ષેપ કરતાં પોલીસ તેના મૃતદેહનો ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. અને રિપોર્ટ બાદ જ તથ્ય બહાર આવશે તેવું જાણવા મળ્યું છે. જ્યારે યુવકે ફાંસો ખાધો ત્યારે તેને પગ નીચે એક ફોલ્ડિંગ ટેબલ રાખ્યું હતું. અને જેથી તે ટેબલ તેની પાસે ક્યાંથી પહોંચ્યું તે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગળાના માર્ક અને હાથમાં ઇજાના નિશાન પરથી તબીબને હત્યાની પ્રબળ શંકા
જ્યારે આ મામલે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે,યુવકના ગાળાના ભાગે જે નિશાન જોવા મળ્યા હતા તેના પરથી તેવી શંકા થઈ રહી છે કે,યુવકને કોઈ દ્વારા ગળેફાંસો આપવામાં આવ્યો છે. સાથે તેના હાથ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. જેથી તબીબોને તેની હત્યા કરાયા હોવાની પ્રબળ શંકા છે.
યુવક પાસે રહેલું બાઇક ઘટના સ્થળે ન મળી આવ્યું
ગોપાલ પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે તે બાઇક લઈને નીકળ્યો હતો પરંતુ આપઘાત કર્યો તેની આસપાસ તેનું બાઇક જોવા મળ્યું ન હતું જેથી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.ઉલેખ્ખનિય છે કે,યુવક ગુમ રહ્યો ત્યારે કયા હતો? અને કોની સાથે હતો ? તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
ફૂડ ડિલેવરી બોક્ષમાંથી છરી મારી આવી
જ્યારે આ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,યુવક ફૂડ ડિલેવરીનું કામ કરતો હતો. જેથી તેની પાસે ફૂડ ડિલેવરીની બેગ સાથે રહેતી હતી. અને પોલીસને ઘટના સ્થળેથી પણ બેગ મળી આવી હતી અને તે તપાસતા તેમાંથી એક છરી મળી આવી હતી જેથી યુવક પાસે છરી શુ કરવા માટે હતી ? તે પણ પ્રશ્ન થઈ રહ્યો છે.