લગ્નની લાલચ આપી એક સંતાનની માતા પર એક સંતાનના પિતાનું દુષ્કર્મ
ગોંડલના મહાકાળી નગરનો બનાવ : વારંવાર શરીર સંબંધ બાંધી લગ્ન કરવાનો સમય આવતા પરિણીતાને તરછોડી દેતા પોલીસે ગુનો નોંધ્યો
ગોંડલમાં રહેતી એક સંતાનની માતાને એક સંતાનના પિતાએ લગ્ન કરવાનો વાયદો કરી સમજૂતી કરાર કરી તેની સાથે રહેતો હતો.ત્યાર બાદ આરોપીએ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતાં.અને પરિણીતાએ લગ્નનું કહેતા આરોપીએ ઇનકાર કરી દેતા પરિણીતાએ આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ,ગોંડલમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગોંડલમાં મહાકાળી નગર-૫ માં રહેતા રવી હસમુખભાઈ ધોળકીયા (ઉ.વ ૩૦)નુ નામ આપતા જણાવ્યું હતું કે,તેને લગ્ન જીવન થકી સંતાનમાં એક પુત્ર છે.જયારે આરોપી રવી પણ એક સંતાનનો પિતા છે.આરોપી રવિને અહીં ગોંડલમાં કોલેજ ચોક પાસે ઢોસાની લારી હોય જેથી ફરિયાદી અહીં પતિ સાથે જતા બંને વચ્ચે એક વર્ષ પહેલા પરીચય થયો હતો. બાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઇ હતી.બંને વાતચીત કરવા લાગ્યા હતા. આરોપી રવિની પત્ની હાલ રિસામણે હોય જેથી તેણે પરિણીતાને લગ્ન કરી લેવાની લાલચ આપી તેમજ તેના સંતાનની સાર સંભાળ કરવાની ખાતરી આપી હતી.જેથી પરિણીતા ગત તા. ૧૯/૯ ના રોજ રવિ સાથે લગ્ન કરવાની તેમજ તેના દીકરાની સાર સાંભાળ રાખવા તથા ભરણ પોષણ કરવા અંગેનો સમજૂતી કરાર કરી તેની સાથે રહેવા ગઇ હતી.પરિણીતા સાથે રહેતી હોય તે દરમિયાન આરોપીએ વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.પરિણીતાએ બાદમાં લગ્નનું કહેતા તે વાત ટાળી દેતો હતો.પરિણીતાએ આ બાબતે દબાણ કરતા આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.ઉપરાંત પરિણીતા અને તેના સંતાનને ઘરની બહાર કાઢી મૂકયા હતાં.જેથી પરિણીતાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.