ધ્રોલ નજીક બોલેરોએ એક્ટિવાને ઠોકર મારતા માતા-પિતા અને પુત્રીનું મોત
જામનગર-રાજકોટ હાઇવે થયો રક્તરંજીત
જાયવા ગામે આશાપુરા હોટલ પાસે પુરપાટ ઝડપે આવતા બોલેરો ચાલકે અકસ્માત સર્જી ભેંસદડ ગામના પરિવારનો માળો વીંખી નાખ્યો : નવ વર્ષનો પુત્ર નોધારો થયો
જામનગર-રાજકોટ હાઇવે ગઇકાલ વહેલી સવારે રક્તરંજીત થયો હતો. ધ્રોલ નજીક જાયવા ગામે માર્ગ પર પુરપાટ ઝડપે દોડી આવતા બોલેરો ચાલકે એક્ટિવાને પાછળથી ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અને આ અકસ્માતમાં એક્ટિવા સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ચાર વર્ષીય પુત્રીને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પડધરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
વિગત મુજબ ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે ગઇકાલ વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતી આવતા જીજ.03.બીડબલ્યુ.2320 નંબર ના બોલેરોના ચાલકે માર્ગ પર જતાં એક્ટિવાને ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના કડિયા ક્ષત્રિય પરિવાર સંજયભાઇ રમેશભાઈ ચોટલિયા (ઉ.વ.36) અને તેમના પત્ની ઇનાબેન સંજયભાઇ ચોટલિયા (ઉ.વ.35)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે 4 વર્ષીય પુત્રી નિષ્ઠા સંજયભાઇ ચોટલિયાને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત પડધરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેને દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને માતા-પિતા અને પુત્રીના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથધરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક પરિવાર ધ્રોલ તરફ એક્ટિવામાં આવી રહ્યો હતો.ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.સંજયભાઇ અને ઇનાબેનને બે સંતાનો હતા, જેમાં એકનું તો એમની સાથે મોત થઇ ગયું છે. હવે એમનો એક 9 વર્ષનો પુત્ર બચ્યો છે. જે વાપી ખાતે સંજયભાઇના માતા-પિતા સાથે છે.જ્યારે અકસ્માત સર્જી નાશી છૂટેલા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.