હાલ બેહાલ: ફફડવા તો જોઈએ ગુનેગારો પણ ફફડે છે બાપડી પ્રજા
એક સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતરી આવતા અને ગુનેગારોની ફેં ફાટતી
‘ રીકન્સ્ટ્રક્શન યાત્રામાં ‘ ઉચ્ચ અધિકારીઓ પણ જોડાય તો પોલીસતંત્રમાં લોકોનો વિશ્વાસ વધે
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક હદે કથળી છે. કેટલાક લોકો તો કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ છે જ કે કેમ તેવી આશંકા પણ વ્યક્ત કરવા લાગ્યા છે.એક સમયના શાંત અને સલામત ગણાતાં આપણા ગુજરાતમાં દરરોજ હત્યા,મારામારી, લૂંટ,બળાત્કાર જેવી ઘટનાઓના વાંચવા ન ગમે તેવા સમાચારો અખબારોની હેડલાઇન બનવા લાગ્યા છે.જાહેર રસ્તા પર ધારદાર છરી અને તલવારો વીંઝતા લુખ્ખાઓબેફામ બન્યા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર છાશવારે જોવા મળે છે.’ રાત્રે બાર વાગ્યે પણ યુવતી ભય વિના એકલી નીકળી શકતી ‘એ ગૌરવગાથા ગાવાનો સમય ભૂતકાળ બની ગયો છે.બે વાહનો અથડાવા જેવી સામાન્ય બાબતમાં ધોકા અને લાકડી ઉડે છે.માથાભારે વાહન ચાલકો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનને ધમકાવે કે ક્યારેક હાથ ઉગામી લે તે સમાચારોમાં હવે કોઈને નવાઈ નથી લાગતી.દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દારૂડિયાઓ વાહનો ચલાવીને અકસ્માતો સર્જે તેવી ઘટનાઓને પણ હવે બહુ મહત્વના સમાચાર નથી ગણવામાં આવતાં.આ તો રોજનું થયું. સાંજ પડે સૂમસામ થઈ જતી શેરીઓમાં દારૂના કટિંગો બેરોકટોક થતા રહે છે.પોલીસતંત્ર પાસે બાતમીદારોની મોટી ફોજ હોય છે.ગુનાશોધક શાખાઓ છે પણ તેમ છતાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી જ રહે છે. ભોળી પ્રજાના મનમાં વિચાર આવે છે કે આપણને જે નરી આંખે દેખાય છે એ પોલીસને કેમ નહીં દેખાતુ હોય ?આજે દરેક માણસ અસલામતી અનુભવતો હોય એ કગાર પર આપણું ગુજરાત આવીને ઊભું રહી ગયું છે. સરકાર ભલે સબ સલામતના દાવા કરી પોતાની પીઠ થપથપાવ્યે રાખે પણ વાસ્તવિકતા એ છે કે સામાન્ય માણસ આ અગાઉ કદી ન અનુભવી હોય તેવી અસલામતી અને ભય અને લાચારી અનુભવી રહ્યો છે.સામાન્ય માણસ પોલીસમાંથી વિશ્વાસ ગુમાવી બેઠો છે.
આવું કેમ બન્યું? આવું કેમ બને છે? એવો સવાલ સહેજે થાય.જવાબ એ છે કે ગુનેગારોમાં પોલીસનો ખૌફ નથી.ગુનેગારી ડામવી હોય તો પોલીસનો ભય હોવો જોઈએ. એ ભય આજે નાબૂદ પામ્યો છે.આ સ્થિતના નિર્માણ માટે ભ્રષ્ટાચાર, રાજકારણીઓના હસ્તક્ષેપ અને સબળ નેતૃત્વના અભાવ જેવા પરિબળો જવાબદાર છે.નેતૃત્વ એટલે માત્ર રાજકીય કે શાસકીય નેતૃત્વ જ નહીં પોલીસ તંત્રનું નેતૃત્વ પણ ખરું જ.એક ગુનેગાર પકડાય પછી ગમે તેટલા વગદાર નેતાજીના દબાણ સામે પણ ઝૂક્યા વગર પોતાની નીચેના પોલીસ અધિકારીને છૂટો દૌર આપવાની નૈતિક હિંમત જો ટોચના અધિકારીઓમાં હોય તો ગુનેગારોને પોલીસનો ખૌફ કોને કહેવાય તેનું બ્રહ્મજ્ઞાન થાય.પણ આજે જાણે કે પોલીસ તંત્રના હાથમાં જ બેડીઓ પડી ગઈ છે.
આ સ્થિતિમાં મોટાભાગના પોલીસો ગૂંગળામણ અનુભવે છે. ખાનગીમાં ઘણા પોલીસો વસવસો પ્રગટ પણ કરે છે.દરેક પોલીસને તેની વર્દીનું ગૌરવ છે,અભિમાન છે.પોલીસ નબળો કે નિર્માલ્ય નથી.એના ખડતલ હાથોમાં ગુનેગારના કપડાં પાંચ મિનિટમાં ભીના કરી દેવાનું બળ છે.પણ એ બળુકા હાથો બંધાઈ ગયા હોય તેવી સ્થિતિ છે.વગ અને પૈસાના જોરે ગુનેગારો નફ્ફટ અટહાસ્યો કરે ત્યારે પોલીસનું સ્વમાન ઘવાય છે અને રહેતાં રહેતાં એ હતાશામાં પલટે છે.પોલીસનો જુસ્સો તળિયે પહોંચ્યો તેના માટે આ પરિબળ જવાબદાર છે.
ગુજરાતમાં ઉપરા છાપરી બનેલા કેટલાક ભયંકર કક્ષાના ગુનાઓ બદલ સરકાર ઉપર માછલાં ધોવાયા તે પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગર્ભિત રીતે સરઘસો કાઢવના નિર્દેશ આપ્યા બાદ હવે ‘ રીકન્સ્ટ્રક્શન યાત્રાઓ ‘ શરૂ થઈ છે. કહેવાની જરૂર નથી કે પોલીસની આ કામગીરીને સામાન્ય પ્રજાનું પૂરેપૂરું સમર્થન છે. ગુંડાગીરીથી ત્રાસેલી જનતા પોલીસની આ કાર્યવાહીથી ખુશ છે. લુખ્ખાઆએ જે વિસ્તારમાં ગુંડાગીરી કરી હોય કે સીન સપાટા કર્યા હોય એ જ વિસ્તારમાં તેમને નીચી મુંડી કરીને લડખડાતા પગે ચાલતો જોવાનો દુર્લભ આનંદ અને અપૂર્વ આલ્હાદ લોકોને મળે અને બીજી વખત માથું ઉંચકતા પહેલા આવા ગુંડા તત્વો બે નહીં પણ બાર વખત વિચાર કરે એવું વાતાવરણ સર્જવું હોય તો પોલીસે આ પવિત્ર યાત્રાઓ અવિરત ચાલુ રાખવી જોઈએ.
પરંતુ તેમાં કેટલાક કાનૂની વિઘ્નો તો છે જ.કાયદાની જોગવાઇ અનુસાર ‘સરઘસ ‘ ન કાઢી શકાય.જો કોઈ માનવ અધિકારજીવી કે આરોપી ફરિયાદ કરે તો પોલીસને જવાબ દેવો મોંઘો પડી જાય. આમ તો જો કે એક વખત પોલીસની સ્વાદિષ્ટ પ્રસાદી ચાખી લીધા બાદ મોટે ભાગે તો કોઈ આરોપી ફરિયાદ કરવાનું સાહસ દર્શાવતા નથી,પણ તેમ છતાં પણ પોલીસ માથે જોખમ તો રહે જ છે.એટલે વચગાળાના રસ્તા તરીકે રીકન્સ્ટ્રક્શન યાત્રા કાઢવાનો વહેવારુ ઉકેલ તંત્રએ શોધી કાઢ્યો છે.ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવું એ પોલીસની તપાસ કામગીરીનો હિસ્સો છે અને એવું કરવાની દુનિયાનો એક પણ કાયદામાં મનાઈ નથી.એટલે જે પાણીએ ચડે તે પાણીએ દાળ ચડાવવી એ સોનેરી સૂત્ર અમલમાં મૂકવામાં કાંઈ ખોટું નથી.
અલબત, કાયદાનું પાલન બધાએ કરવું જોઈએ પણ સાચી વાત એ છે કે ગુનેગારો જે ભાષામાં સમજે તેમાં જ તેને સમજાવવા પડે.એમને ઉભડક પગે જ બેસાડવા પડે. રાજકોટની પોલીસ કમિશનરના લીંબડાનો કલરવ બંધ ન થવો જોઈએ.ભય વગર પ્રીત ન હોય.માટે ભલું થજો આ રીકન્સ્ટ્રક્શન યાત્રાઓનું.
પણ હજુ પણ તેમાં કંઈક ખૂટે છે.આ યાત્રાઓમાં
ટોચના પોલીસ અધિકારીઓ જોડાય તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય.એ કામગીરીની ગંભીરતા અનેક ગણી વધી જાય.તેમાં ગુનાખોરી ડામવાની પોલીસતંત્રની પ્રતિબદ્ધતા અને નિષ્ઠાનું દર્શન થાય. આજે બન્યું છે એવું કે આ યાત્રાઓ કાઢતા મધ્યમ કક્ષાના પોલીસ અધિકારીઓ અને ટીમના સભ્યોને ઊંડે ઊંડે કાનૂની સમસ્યામાં ફસાઈ જવાનો ભય સતાવતો હોય છે પણ ટોચના અધિકારી પણ સાથે હોય તો એ બધા સલામતી અનુભવે. ટોચનું નેતૃત્વ આપણી સાથે છે એ વિશ્વાસ જાગે અને તો આજે તળિયે ગયેલું પોલીસનું મોરલ ફરી ઝગારા મારવા લાગે અને પ્રજાને પણ વિશ્વાસ બેસે.
ગુજરાતે ભૂતકાળમાં એવા અનેક અધિકારીઓ જોયા છે જે ફ્રન્ટ ઉપર રહીને પોતાની ટીમને પ્રોત્સાહિત કરતાં. અગાઉ ટોચના પોલીસ અધિકારીઓ
આવી કામગીરીઓમાં ખુલ્લેઆમ સામેલ થતાં.રાજકોટમાં દતા સાહેબ ડીએસપી હતા ત્યારે રસ્તા પર ઉતરી આવતા.લોકો તેમને નિહાળવા ટોળે વળતા.ગુનેગારો તેમનું નામ સાંભળીને થરથર ધ્રુજતા. વર્મા સાહેબ ડીસીપી હતા ત્યારે તેમની આગેવાની હેઠળ પોલીસ ફોજ વિવિધ વિસ્તારોમાં નિયમિત પદયાત્રા કરતી.તેમનો ખૌફ એવો હતો કે ગુનેગારો શહેર છોડીને ભાગી જતાં.હસમુખ પટેલ,સુધીર સિંહા,નિર્લિપ્ત રાય,સતીશ શર્મા જેવા પોલીસ અધિકારીઓ લોકમાનસમાં અમીટ છાપ ધરાવે છે.એવા નિષ્ઠાવાન અધિકારીઓની યાદી ખૂબ મોટી છે.રાજકોટમાં ગેહલોત સાહેબ કમિશનર હતા ત્યાં સુધી એવા દ્ર્શ્યો જોવા મળતા.આ કવાયતનો ફાયદો એ થતો કે ટોચના પોલીસ અધિકારી શહેરની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર રહેતા હતા.લોકો સાથે તેમનો સીધો સંપર્ક અને સંવાદ થતો.જે તે પોલીસ મથકના અધિકારીઓ ઉપર પણ ‘ કાબુ ‘ રહેતો. લાલિયાવાડી બંધ થતી અને સૌથી વધારે તો નીચેના પોલીસોનો જુસ્સો વધતો.કાંઈ પણ થશે તો ‘ સાહેબ ‘ જવાબ દેવા બેઠા છે એ સધિયારો અને વિશ્વાસ રહેતો અને ગુનેગારો ફફડાટ અનુભવતા.
આજે બે કોડીના લોકો જાહેરમાં પોલીસ સામે મૂછો ચડાવે છે ત્યારે નિષ્ઠાવાન અને સ્વમાની પોલીસો સમસમીને જાય છે.લોકો આ બેશરમ તમાશો લાચાર આંખે જોયે રાખે છે પણ હકીકતમાં જેમને શરમ આવવી જોઈએ તેમને અને શરમને સો ગાઉનું છેટું થઈ ગયું છે.આ જ કારણ છે કે ગુંડાઓ, લુખ્ખાઓ, બૂટલેગરો અને જુગારના પાટલા ચલાવનારાઓને કોઈનો ડર નથી. એટલે જ જાહેર માર્ગો પર મારામારીઓ થાય છે.એટલે જ ખુલ્લે આમ છેડતીના બનાવો બને છે.લુખ્ખા તત્વો પોલીસને ગાંઠતા નથી. નહિતર ગુજરાતમાં નવરાત્રિમાં સામુહિક બળાત્કારની ઘટના ન બને.અને નહિતર એક સમયના સૌથી શાંત અને સલામત ગણાતાં રાજકોટમાં અવધ રોડ ઉપર એક યુગલને બંધક બનાવી ખંડણી માંગવાનો બનાવ ન બને.
કોઈ પણ સ્વસ્થ અને સભ્ય સમાજમાં ગુનેગારો ફફડવા જોઈએ તેને બદલે અહીં તો નિર્દોષ પ્રજાજનો ફફડી રહ્યા છે. લોકો પોલીસને માહિતી આપતાં ડરે છે. ફરિયાદ કરતાં પણ ડરે છે.આ સ્થિતિમાંથી લોકોને બચાવવા હશે અને સલામત સમાજનું નિર્માણ કરવું હશે તો ટોચના પોલીસ અધિકારીઓએ એરકન્ડિશન્ડ ચેમ્બરો છોડીને રસ્તા ઉપર ઉતરવું પડશે,લોકોની વચ્ચે જવું પડશે.પોલીસની તાકાત શું છે તે બતાવવું પડશે. માત્ર નીચેના સ્ટાફ ઉપર ઢોળી દેવાની માનસિકતા અને શાહમૃગનીતિ ત્યજવી પડશે.તો જ નિર્ભીક અને સલામત સમાજનું નિર્માણ થશે અને નહિતર સમય જતાં આ રીકન્સ્ટ્રક્શન યાત્રાઓ પણ માત્ર ઔપચારિકતા બની ને રહી જશે.
અને હા! માત્ર નાના કક્ષાના ગુનેગારોને જ નહી પણ માથાભારેમાં માથાભારે અને વગદારમાં વગદાર મોટા માથાંઓને પણ રિકન્સ્ટ્રક્શન યાત્રાનો લાભ આપવો પડશે.