એસ્ટેટ બ્રોકરનું સોનું બેંકમાંથી છોડાવી લઇ મિત્રએ કરી છેતરપિંડી
મિત્રને 25 હજાર આપવાના હોય જેથી અઢી લાખનું પત્નીનું મંગળસૂત્ર ગીરવે મૂકી લોન લઇ મિત્રને પૈસા આપ્યા : બાદમાં જાણ બહાર સોનું છોડાવી લઇ વિશ્વાસઘાત કર્યો
શહેરમાં મોરબી રોડ પર રાધા મીરા સોસાયટીમાં રહેતા એસ્ટેટ બ્રોકર પાસેથી કુવાડવામાં રહેતો મિત્ર 25 હજાર માંગતો હોય જેથી તેને પૈસા પરત આપવા પત્નીનું મંગળસૂત્ર ગીરવે મૂકી લોન લઇ મિત્રને પૈસા આપ્યા હતાં. બાદમાં તેમની જાણ બહાર મિત્રએ બેંકમાં આ પૈસા ભરી મંગળસૂત્ર છોડાવી લઇ વિશ્વાસઘાત કરતાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક રાધામીરા સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરનાર ભીખુભાઇ લાભુભાઇ વાઘાણી (ઉ.વ ૫૧)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મિત્ર પરેશ ધિરજભાઇ લામકા (રહે કોળીવાસ,કુવાડવા) નું નામ આપતા જણાવ્યું હતું કે, જમીન મકાન લે-વેચના કામને લઇ તેમને આરોપી પરેશ લામકા સાથે પરીચય થયો હતો.પાંચેક માસ પૂર્વે પરેશ લામકા પાસેથી ધંધાના કામ માટે ૨૫ હજાર ઉછીના લીધા હતાં.જે પૈસા પરત આપવાની સગવડ ન થતા ભીખુભાઇએ પત્નીનું સોનાનું મંગળસૂત્ર બેંકમાં મુકી ૨૫ હજારની લોન લઇ પરેશભાઇને પૈસા પરત આપવાનું નક્કી કયુ હતું.બંને તા.૧૯/૭ ના રોજ કસ્તુરબા રોડ પર રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કે ગયા હતાં.જયા ગોલ્ડ લોન વિભાગમાં ભીખુભાઇએ પોતાના ડોકયુમેન્ટ આપતા જેમાં આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ હોય જેથી લોન થઇ શકે તેમ ન હોય આ બાબતે પરેશભાઇને વાત કરતા તેમણે પોતાના ડોકયુમેન્ટ આપ્યા હતાં.બાદમાં તેમના નામ પર લોન લઇ તેમને ૨૫ હજાર આપી દીધા હતા. એકાદ મહિના બાદ ફરિયાદીને પૈસાની સગવડ થતા તેઓ બેંકે જઇ મંગળસૂત્ર બાબતે વાત કરતા બેંક તરફથી જાણવા મળ્યું હતું કે, સોનું તો પરેશભાઇ લોન લીધાના ત્રીજા દિવસે જ ૨૫ હજાર ભરી લઇ ગયા છે.
જેથી આ બાબતે ફરિયાદીએ પરેશભાઇનો સંપર્ક કરતા તેણે કહ્યુ હતું કે મારી પૈસાની જરૂર હોવાથી મેં મંગળસૂત્ર બેંકમાંથી છોડાવી દીધું છે અને હું તમને થોડા દિવસમાં પરત આપી દઇશ તેવી વાત કરી હતી.બાદમાં અવારનવાર માંગણી કરવા છતા આ મંગળસૂત્ર પરત ન આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.