૧૫ લાખનું ડ્રગ્સ રાજકોટ પહોંચે તે પહેલાં જ ખેડા પાસેથી પકડાયું
સેવાલિયા પાસે પોલીસ-ડાકોર સીપીઆઈનું ઓપરેશન: રાજસ્થાનનો શખ્સ પકડાયો
અગાઉ પણ અનેક વખત ખેપ માર્યાની આશંકા: રાજકોટના શખ્સ સહિત ત્રણ સામે નોંધાયો ગુનો
ડ્રગ્સ સામે એટીએસની સાથે જ પોલીસે પણ લાલ આંખ કરીને નાના-મોટાપાયે જથ્થો પકડવામાં આવી રહ્યો છે. આવો જ એક જથ્થો મધ્યપ્રદેશથી નીકળીને રાજકોટ પહોંચે તે પહેલાં ખેડા પાસેથી પકડાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સેવાલિયા પોલીસ તેમજ ડાકોર સીપીઆઈએ સંયુક્ત ઓપરેશન પાર પાડી સેવાલિયા બસ સ્ટેન્ડ નજીજ રેલવે કોલોની પાસેથી એક શખ્સને પકડી પાડ્યો હતો. પકડ્યા બાદ આ શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે.દુધાલિયા-રાજસ્થાન) કહ્યું હતું. આ પછી પોલીસે તેની પાસે રહેલી બેગની તલાશી લેતાં તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત ૧૪.૯૭ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પકડાયેલો ગોપાલ અગાઉ પણ આ રીતે ખેપ મારી ગયો હોવાની આશંકાને પગલે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોપાલના જણાવ્યા પ્રમાણે તેને આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ગામે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટમાં પહોંચાડવાનો હતો. જો કે તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડ્યો હતો. ગોપાલ સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભો રહેતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.
રાજકોટમાં અલ્પેશ રમેશ તન્ના નામની વ્યક્તિને ડ્રગ્સ આપવાનું હતું
ગોપાલ મહેરની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ ડ્રગ્સ રાજકોટના અલ્પેશ રમેશ તન્ના નામના શખ્સને પહોંચાડવાનું હતું. પોલીસે ગોપાલની ધરપકડ બાદ તેને મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો આપનાર કૈલાશ ઉર્ફે માસી મહેર તેમજ રાજકોટના અલ્પેશ તન્ના સામે ગુનો નોંધી બન્નેની શોધખોળ આદરી છે.