ફરિયાદ લેવામાં પોલીસ ‘ઢીલી’: લોકોને હેરાન ન કરો નહીંતર કાર્યવાહી જ થશે
રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને ગૃહ વિભાગના સચિવનું અલ્ટીમેટમ
જેની સામે ફરિયાદ હોય તેનો બચાવ કરવાનું બંધ કરો: તમામ ફરિયાદ નોંધવા, તેનું ઝડપથી નિરાકરણ લાવવા અને ઉંડાણપૂર્વક તપાસ કરવા ટકોર
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ફરિયાદીની ફરિયાદ પ્રથમ ધક્કે જ પોલીસ દ્વારા લેવામાં આવી હોય તેવું જવલ્લે જ બનવા પામ્યું છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સૌપ્રથમ ફરિયાદ લેવાની જગ્યાએ માત્ર અરજી લઈ લેવામાં આવે છે અને તેના આધારે તપાસ કરીને મોડે મોડેથી ગુનો નોંધવામાં અને તે પણ અમુક જ કેસમાં કરવામાં આવતું હોવાનું એક નહીં બલ્કે અનેક વખત સામે આવી ચૂક્યું છે. વળી, અરજીના આધારે
તોડ’ કરી લેવામાં આવ્યાના ઘણા કિસ્સાઓ ઓનપેપર' અથવા તો ઓફ ધ રેકર્ડ સામે આવી ચૂક્યા છે.
આ બધાને કારણે ફરિયાદીનો રીતસરનો મરો થઈ રહ્યો હોય વાત આખરે ગાંધીનગર સુધી પહોંચતાં સરકાર પણ ચોંકી ઉઠી હતી. આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે ગૃહ મંત્રાલયે ઝંપલાવીને તમામ પ્રકારની ફરિયાદ તાત્કાલિક નોંધવા માટે આદેશ આપવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગૃહ વિભાગના અધિક સચિવ એમ.કે.દાસ દ્વારા રાજ્યના દરેક પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસવડાઓને પત્ર લખવામાં આવ્યો છે જેમાં દરેક પોલીસ મથક ફરિયાદ નોંધવામાં વિલંબ કરતાં હોવાનો ઉલ્લેખ કરવાની સાથે સાથે ફરિયાદીને હેરાન નહીં કરવા નહીંતર કાર્યવાહી કરવાનો કડક નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. એમ.કે.દાસ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદ ન નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓના બિનગંભીર વલણ અંગે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છેઅને સાચા અરજદારોને હેરાન કરવામાં આવે છે, તેની ફરિયાદ વણઉકેલાયેલી રહે છે.
તાજેતરના
સ્વાગત’માં પણ એવું જણાયું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની હિમાયત કરી રહ્યા હતા જાણે કે તેઓ સાચા ફરિયાદીને બદલે અન્ય પક્ષનો બચાવ કરી રહ્યા હોય. ૨૬-૧૨-૨૦૨૪ના રોજ યોજાયેલા તાજેતરના સ્વાગતમાં વાત સામે આવી હતી એ સંબંધિત તમામ પોલીસ કમિશનર તેમજ એસપી કે જેમની સ્વાગત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી એ તમામ મુદ્દે એફઆઈઆર નોંધશે અને આજે જ આ ઓફિસને જાણ કરશે.
ગુડ ગવર્નન્સ-ડે પર મુખ્યમંત્રીએ સ્વાગત ૨.૦ ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો છે આથી તમામને ફરિયાદના નિકાલ માટે સમયમર્યાદાનું પાલન કરવાનું સુચના આપવામાં આવે છે. સ્વાગત ૨.૦ એસ્કેલેશન મેટ્રિક્સ ધરાવે છે અને જો એને યોગ્ય સ્તરે ઉકેલવામાં નહીં આવે તો એ આપમેળે વધશે આથી તમામ વરિષ્ઠ અધિકારીઓને આપેલા સમય મેટ્રિક્સની અંદર ફરિયાદનું તાત્કાલિન ધ્યાન રાખવા સુચના આપવામાં આવે છે.
હું તમામ પોલીસ કમિશનર-એસપીને વિનંતી કરું છું કે સમયમર્યાદામાં તમામ ફરિયાદોનું અસરકારક અને યોગ્ય રીતે નિવારણ કરવામાં આવે, તમામ ફરિયાદ તાત્કાલિક નોંધવામાં આવે, કેસની તપાસ કરવામાં આવે અને કાયદા અનુસાર નિકાલ કરવામાં આવે. એફઆઈઆર નોંધવામાં હેતુપૂર્ણ વિલંબના કોઈ પણ દાખલાને ગંભીરતાથી જોવામાં આવશે અને કડક પગલાં લેવાશે.