દિલ્હીની હોસ્પિટલમાં બે સગીરો દ્વારા ગોળી મારી તબીબની હત્યા
ડ્રેસિંગ બદલવવા આવ્યા બાદ વીંધી નાખ્યા
કોલકત્તામાં એક મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના બનાવના વિરોધમાં હજુ આંદોલન ચાલી રહ્યું છે ત્યાં જ બુધવારે દિલ્હીમાં પણ એક હોસ્પિટલમાં તબીબની હત્યાનો બનાવ બન્યો હતો. ડ્રેસીંગ બદલાવવા આવેલા બે સગીરોએ એક તબીબની ગોળી મારી હત્યા કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ દિલ્હીના જાયતીપુર વિસ્તારમાં આવેલ નીમા હોસ્પિટલમાં મંગળવારે એક સગીરે સારવાર લીધી હતી. બાદમાં બુધવારે મોડી રાત્રે એ સગીર તેના મિત્ર સાથે ઇજાગ્રસ્ત અંગૂઠાનું ડ્રેસીંગ બદલાવા માટે આવ્યો હતો. એ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રિસ્ક્રીપશન લખાવવાના બહાના હેઠળ બંને 55 વર્ષની વયના ડોક્ટર જાવેદ અખ્તરની કેબિનમાં ગયા હતા અને તબીબને માથામાં ગોળી મારી ભાગી ગયા હતા.
ફરજ પર રહેલ અન્ય કર્મચારીઓના જણાવ્યા મુજબ બંનેની ઉંમર 16 થી 17 વર્ષની હતી. પોલીસે આ ઘટનાને ટારગેટ કિલિંગની ઘટના માનીને તપાસ હાથ ધરી છે. આગલે દિવસે બન્નેએ દર્દીના સ્વાંગમાં આવી હોસ્પિટલની રેકી કરી હોવાનું પોલીસ માને છે.
આ બનાવને પગલે તબીબી સંગઠનોએ ફરી એક વખત તબીબોની અસલામતી અંગે સવાલો ઉઠવ્યા હતા. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રવક્તા કહ્યું કે દિલ્હીમાં દરરોજ બળાત્કાર હત્યા અને ખંડણી વસૂલીના ગુનાઓ બને છે. કેન્દ્ર સરકારના શાસન હેઠળ દિલ્હી ગુનાખોરીની રાજધાની બની ચૂકી છે તેઓ તેમના આક્ષેપ કર્યો હતો.