૧૦.૫૦ લાખ સામે ૩૮.૫૦ લાખ ચૂકવ્યા છતાં બે વ્યાજખોરનું પેટ ન ભરાયું
બે શખ્સો સામે ફરિયાદ: એકને ૫૦ હજાર સામે અઢી લાખ, બીજાને દસ લાખ સામે ૩૫ લાખ ચૂકવ્યા છતાં વધુ પૈસા માંગી બેફામ ધમકાવ્યા
ધોરાજીના બહારપુરામાં આંબેડકરનગર પાણીના ટાંકા સામે રહેતા એક મહિલાનું બે વ્યાજખોરે જીવવું હરામ કરી નાખતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મિત્તલબેન મહેન્દ્રભાઈ વિંઝુડા (ઉ.વ.૩૭)એ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે ૨૦૨૩માં પૈસાની જરૂર પડતાં તેમણે વિજય કિશનભાઈ ચૌધરી તેમજ તેની પત્ની યોગીતા પાસેથી કટકે કટકે ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ પછી દાગીના વેચીને કટકે કટકે ૩૫ લાખ જેવું ચૂકવણું પણ કરી દીધું હતું આમ છતાં બન્નેએ ૩૦% ઉંચું વ્યાજ માંગી વધારાના ૧૭ લાખની ઉઘરાણી શરૂ કરી હતી. વળી, મહિલાનો ધંધો પડી ભાંગ્યો હોય જે ચાલવા લાગશે એટલે પૈસા ચૂકવી દેશે તેવું કહેવા છતાં બન્ને માન્યા ન્હોતો. આ બન્ને છેલ્લા છ મહિનાથી મિત્તલબેનને ગાળો આપી ઉઘરાણી કરે છે જેના કારણે પરિવારના સભ્યો ઘર બહાર નીકળી શકતા નથી. જ્યારે પણ આ બન્ને રસ્તા પર મળે ત્યારે ચેક બાઉન્સ કરાવી જેલમાં બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા. આ બન્નેની રાજકીય વગ હોય તેમનાથી બધા ડરતાં હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મિત્તલબેને ૨૦૨૩માં બહારપુરાની ખીજડાશેરીમાં રહેતા નિલેશ હરજીભાઈ ભાસ્કર પાસેથી ૫૦,૦૦૦ ૩૦% વ્યાજે લીધા હતા જે પેટે અઢી લાખ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં હજુ ચાર લાખ આપવા પડશે તેમ કહી ભૂંડી ગાળો આપતાં તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી