વઢવાણ PGVCLના નાયબ ઇજનેર 5 હજારની લાંચ લેતા ઝડપાયો
ખેતરમાં વિજ કનેકશન મેળવવા માટે પૈસાની માગણી કરતાં એસીબીની ટીમે છટકું ગોઠવી દબોચી લીધો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પી.જી.વી.સી.એલ પેટા વિભાગની કચેરીના નાયબ ઇજનેરને ખેડૂતને ખેતરમાં વીજ કનેક્શન આપવા માટે રૂ.5 હજારની લાંચની માગણી કરી હતી.જેથી આ મામલે એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવી ઇજનેરને રંગે હાથ લાંચ લેતા પકડી પાડી કાર્યવાહી કરી હતી.
વિગત મુજબ ફરીયાદીના મોટાબાપુએ પોતાના ખેતરમાં વિજ કનેકશન મેળવવા માટે નાયબ ઇજનેર પી.જી.વી.સી.એલ. પેટા વિભાગની કચેરી વઢવાણ ખાતે અરજી કરી હતી. જે વીજ કનેકશન આપવા માટેની કાર્યવાહી માટે ફરીયાદીએ વઢવાણ પી.જી.વી.સી.એલ, પેટાવિભાગની કચેરીના નાયબ ઇજનેર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલનો રૂબરૂ સંપર્ક કરતા તેમણે કનેકશન આપવા માટે રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન ઇજનેર પરેશકુમારે લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.અને પોલીસે લાંચ અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.આ એસીબીની સફળ ટ્રેપ ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.