ડેંગ્યુ કાબૂમાં, તાવ-શરદી ‘આઉટ ઑફ કંટ્રોલ’
ઠંડી પડવાનું શરૂ થતાં જ ઉધરસના દર્દીઓમાં વધારો: ટાઈફોઈડના વધુ ૬ કેસ
રાજકોટમાં મહિનાઓ સુધી
ઉપાડો’ લેનાર ડેંગ્યુનો રોગચાળો ઠંડી શરૂ થતાં જ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે. જો કે ડેંગ્યુના કેસમાં ભલે ઘટાડો નોંધાયો હોય પરંતુ તાવ-શરદી-ઉધરસના કેસ `આઉટ ઓફ કંટ્રોલ’ થઈ ગયા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે સાથે સાથે ટાઈફોઈડના કેસ પણ આગેકૂચ કરી રહ્યા છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨૫-૧૧-૨૦૨૪થી તા.૧-૧૨-૨૦૨૪ સુધીમાં નોંધાયેલા રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમાણે મેલેરિયાનો વધુ ૧ (વર્ષના ૪૦), ડેંગ્યુના ૮ (વર્ષના ૩૭૮), ચિકનગુનિયાના ૨ (વર્ષના ૩૮) દર્દી નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસના ૧૨૬૭ (૪૭૭૬૫), સામાન્ય તાવના ૯૪૨ (વર્ષના ૨૧૪૪૩), ઝાડા-ઊલટીના ૧૯૬ (વર્ષના ૧૧૯૮૯) અને ટાઈફોઈડના ૬ (વર્ષના ૯૧) કેસ નોંધાયા છે.
બીજી બાજુ રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાપાલિકા દ્વારા ફોગિંગ સઘન બનાવવામાં આવ્યું છે. સાત દિવસમાં તંત્રની ૩૬૦ ટીમે ૮૯૨૦૨ ઘરમાં પોરાનાશક કામગીરી કરી હોવાનું તો ફિલ્ડવર્કરો દ્વારા ૫૬૪૦ ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે.