હથિયાર વેચવું છે’ વૉટસએપમાં ફોટો આવ્યો’ને સોદાગર સુધી પહોંચી DCB
૬ દિ'થી રાજકોટમાં તમંચો-પીસ્તલ-કાર્ટિસ વેચવા માટે મથી રહેલો કુખ્યાત શખ્સ પકડાયો
રાજકોટમાં પીસીબી, ડીસીબી, એલસીબી, એસઓજી સહિતની મહત્ત્વની ગણાતી તમામ બ્રાન્ચ
એક્ટિવ’ નહીં બલ્કે `એગ્રેસિવ મોડ’માં કામ કરી રહી છે. પીસીબી દ્વારા દેશી-વિદેશી દારૂના વેચાણ ઉપર તવાઈ ઉતારાઈ રહી છે તો ડીસીબી દ્વારા રિઢા ગુનેગારો તેમજ હથિયારના સોદાગરો, જુગારીઓને પકડવામાં આવી રહ્યા છે. આ જ રીતે એલસીબી અને એસઓજી પણ એક બાદ એક રેડ કરી રહ્યા હોવાથી ગુનેગારોમાં ઐતિહાસિક ફફડાટ જોવા મળી રહ્યો છે. આવો જ એક હથિયારનો સોદાગર ડીસીબીએ પકડી લીધો છે. આ શખ્સે પોતાની પાસે રહેલા બે હથિયાર અને એક કાર્ટિસ વેચવા માટે વૉટસએપમાં તસવીરો મોકલતાં જ ડીસીબી તેના સુધી પહોંચી ગઈ હતી અને દબોચી લીધો હતો.
ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડિયા, યુવરાજસિંહ ઝાલા, દીપકભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે જામનગર રોડ પર શીતલ પાર્ક નજીકથી મુન્દ્રા (કચ્છ)ના કલ્પેશભારથી ઉફર્ષ ગુરુ ગોપાલભારથી ગોસ્વામી (ઉ.વ.૩૦)ને દેશી બનાવટનો તમંચો, દેશી બનાવટની પીસ્તલ અને જીવતા કાર્ટિસ સાથે પકડી પાડ્યો હતો.
કલ્પેશભારથીની પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે તે ૨૦ સપ્ટેમ્બરથી રાજકોટ આવી ગયો હતો. છ દિવસથી તે અલગ-અલગ લોકોને પોતાની પાસે રહેલા હથિયારની તસવીર વૉટસએપ મારફતે મોકલી રહ્યો હતો. જો કે કોઈ આ હથિયાર લેવા માટે તૈયાર થઈ રહ્યું ન્હોતું. જેવો હથિયાર લેવાનો ઈનકાર થાય એટલે તે તસવીર અને વૉટસએપ ચેટ ડિલિટ કરી દેતો હતો. જો કે ડીસીબીના ધ્યાને વૉટસએપ પર હથિયારની તસવીર અને ચેટ આવી જતાં તેણે ઓપરેશન પાર પાડીને હથિયારના સોદાગરને પકડ્યો હતો. કલ્પેશભારથી ઉપર દારૂ-ગાંજાની હેરાફેરીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ ઉપરાંત ડીસીબીએ કરણપરા શેરી નં.૧૩ના બંધ મકાનમાં ૧૩.૧૪ લાખની ચોરીને અંજામ આપવાના ગુન્હામાં સામેલ વિજય રમેશભાઈ સીતાપરા (રહે.રાજકોટ)ને પણ પકડી પાડ્યો હતો. આ ગુનામાં અગાઉ વિજયના સાગ્રીતો પકડાઈ ચૂક્યા હતા.
મયુરનગરમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ સાથે બૂટલેગર પકડાયો
દારૂના વેચાણ અને બૂટલેગરો ઉપર કાળ બનીને ત્રાટકી રહેલી પીસીબીએ મયુરનગર જય માતાજી ચોક, શેરી નં.૧-કના ખૂણે ૪૦૦ લીટર દેશી દારૂના જથ્થો કારમાં ભરીને ઉભેલા મહેશ ધનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧)ને દબોચી લીધો હતો. તેને દારૂનો આ જથ્થો રાજ વિનુભાઈ રાજપરા (રહે.માંડાડુંગરે) આપ્યાની કબૂલાત આપતા પોલીસે રાજ રાજપરાની શોધખોળ શરૂ કરી છે.