૧૫૦ ફૂટ રોડ પર ક્રિષ્ના સ્કૂલમાં દાહોદના ‘નશેડી’એ હાથ સાફ કર્યો’તો
રાજકોટમાં તસ્કરોનો ત્રાસ હદ બહાર વધી ગયો હોય લોકો હવે ઘર, ઓફિસ, દુકાનને રેઢું મુકી જતાં પહેલાં સો વખત વિચાર કરવા મજબૂર બન્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ નોંધાય એટલે તસ્કરોને પકડવામાં આવી રહ્યા છે પરંતુ તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર થઈ શકતો નથી. આવી જ એક ચોરી ૧૫૦ ફૂટ રોડ પર બાલાજી હોલ પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલમાં થઈ હતી જ્યાં એક તસ્કરે રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે પ્રિન્સીપાલની ઓફિસમાં ઘૂસીને ૩૯૧૦૦ની ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કર ઓફિસમાં ચોરી કરી રહ્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે તાલુકા પોલીસ મથકની ટીમે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે આ ચોરીને સંજય તાહુભાઈ પલાસે અંજામ આપ્યો છે અને હાલ તે દાહોદના ગરબાડામાં છુપાઈ ગયો છે.
આ માહિતીના આધારે પોલીસે ગરબાડા જઈને સંજયને પકડી લઈ તેના પાસેથી ૨૫૦૦૦ની રોકડ રિકવર કરવામાં આવી હતી. સંજય સામે અગાઉ અમદાવાદ (ગ્રામ્ય)ના બોપલ અને દાહોદમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
