૫૧.૮૬૦ કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીના રિમાન્ડ નામંજૂર કરતી કોર્ટ
પોલીસે ધરપકડનું કારણ નહીં આપ્યાનું તેમજ બન્ને આરોપીએ તમામ માહિતી આપી દીધી હોવાથી રિમાન્ડની જરૂર ન હોવાની દલીલ માન્ય રખાઈ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ દરોડો પાડીને ૫૧.૮૬૦ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. એકંદરે ઘણા લાંબા સમય બાદ એસઓજી દ્વારા ગાંજા નેટવર્કના મોટા નેટવર્કને ભેદવામાં સફળતા મેળવી હતી. બે આરોપીને ગાંજા સાથે પકડ્યા બાદ તેની સોંપણી ભક્તિનગર પોલીસ મથકને કરવામાં આવી હતી જેના દ્વારા બન્નેને ૧૦ દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી.
એસઓજીએ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદ એમ બે શખ્સોને જંગલેશ્વર મેઈન રોડ, હુસેની ડેરી, શેરી નં.૬ના એક મકાનમાં ઉપરની ઓરડીમાંથી ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. ધરપકડ બાદ બન્નેએ એવી કબૂલાત આપી હતી કે ગાંજાનો આ જથ્થો જાવેદ જૂણેજાના કહેવાથી ઓરડીમાં રાખ્યો હતો. ત્યારબાદ એસઓજી દ્વારા રફીક અને અસલમને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
દરમિયાન બચાવપક્ષે રોકાયેલા વકીલ રોહિતભાઈ ઘીયા સહિતના દ્વારા એવી દીલ કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા અરેસ્ટ મેમોમાં ગ્રાઉન્ડ ઓફ એરેસ્ટ અને રીઝન્સ ઓફ એરેસ્ટ મતલબ કે ધરપકડ કરવા પાછળનું કારણ જણાવ્યું નથી. આ ઉપરાંત બન્ને આરોપી દ્વારા તમામ માહિતી અને હકીકત જણાવી દેવામાં આવી છે ત્યારે વધુ ૧૦ દિવસના રિમાન્ડની માંગ વ્યાજબી નથી. આ વેળાએ રિમાન્ડ સમયના સિદ્ધાંતોના ઉપલી અદાલતોના લાગુ ચુકાદાઓ ઉપર પણ દલીલ કરવામાં આવી હતી જે ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરાયા હતા.
આ કેસમાં બચાવપક્ષે એડવોકેટ રોહિત ઘીયા, હર્ષ રોહિતભાઈ ઘીયા, જૈમીન જરીયા અને મદદમાં રિદ્ધિબેન ખંધેડીયા રોકાયા હતા.