AVPTI હોસ્ટેલમાંથી કોલેજિયનનું અપહરણ
કોલેજમાં રજા હોવાથી ખાંડાધાર ગયા બાદ ત્યાંથી રાજકોટ આવી’ને થઈ ગઈ ગુમ: પોલીસે શરૂ કરી શોધખોળ
રાજકોટના ટાગોર રોડ પર આવેલી એવીપીટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતી અને ગોંડલના ખાંડાધારમાં રહેતી ૧૫ વર્ષની કોલેજિયનનું અપહરણ થઈ જતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સગીરાના પિતાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની પુત્રી એવીપીટીઆઈ કોલેજમાં ડિપ્લોમા ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે અને કોલેજની જ હોસ્ટેલમાં રહે છે. ગત તા.૨૬ ડિસેમ્બરે રાત્રે ૮:૩૦ વાગ્યા આસપાસ પુત્રીને ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો ન્હોતો. પુત્રીને કોલેજમાં પરિક્ષા હોય વાંચન માટે રજા હોવાથી તે ખાંડાધાર આવી હતી. જો કે પિતા કડિયાકામ કરતા હોય તેઓ કામ અર્થે માણાવદર ગયા હતા ત્યાંથી પુત્રીને ફોન કર્યો પરંતુ તેણે ઉંચક્યો ન્હોતો. આ પછી પત્નીને પૂછતાં તેણે કહ્યું હતું કે પુત્રી સવારે સાત વાગ્યા આસપાસ ઘરેથી અભ્યાસના કામ માટે રાજકોટ જવા નીકળી હતી અને ત્રણ દિવસમાં પાછી આવી જશે તેમ કહ્યું હતું.
ત્યારબાદ પિતાએ ફરી પુત્રીને ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો ન્હોતો. પુત્રી ફોન ઉંચકતી જ ન હોય પિતા ચિંતીત બન્યા હતા જેથી તેણે નાનાભાઈ કે જે રાજકોટમાં રહે છે તેને ફોન કરી પુત્રી સાથે વાત કરાવવા કહ્યું હતું. આ પછી કાકા અને તેમનો પુત્ર હોસ્ટેલ ખાતે ગયા હતા પરંતુ ત્યાંથી સગીરા સવારે ૧૧ વાગ્યે જ નીકળી ગયાનો જવાબ મળતાં પિતા માણાવદરથી રાજકોટ આવવા નીકળી ગયા હતા અને અહીં પહોંચ્યા બાદ પુત્રીની હોસ્ટેલ ગયા હતા પરંતુ તે પણ બંધ હોવાથી એસ.ટી.બસ સ્ટેન્ડ સહિતના સ્થળે તપાસ કરી હતી સાથે સાથે રાજકોટમાં રહેતાં પરિવારજનોને પણ પૂછયું હતું પરંતુ ક્યાંય પણ પુત્રી ન મળતાં આખરે તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી.