સાયબર ફ્રોડ થયાની પાંચ કલાકમાં ૧૯૩૦ ઉપર ફોન કરો
આટલા સમયમાં ફરિયાદ નોંધાવી દેવાશે તો ગુમાવેલા નાણાં પરત મળવાની શક્યતા અત્યંત વધુ
૧ જાન્યુ.થી ૧૫ ડિસેમ્બર સુધીમાં સાયબર ફ્રોડની અધધ ૧.૩૧ લાખ ફરિયાદ: ૨૮૫.૧૨ કરોડની રકમ ફ્રિઝ કરીને ૧૦૮ કરોડ પરત અપાયાનો દાવો
રાજકોટ જ નહીં બલ્કે અત્યારે આખા દેશમાં દર ત્રીજી વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર બની રહી છે. સરકાર, પોલીસ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ માટેના અનેક કાર્યક્રમો આપવા છતાં લોકો સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ જતાં હોય છે. વળી, સાયબર ક્રાઈમનો ભોગ બને એટલે ફરિયાદ કરવાની જગ્યાએ બીજા `છેડા’ શોધવામાં વ્યસ્ત બની રહેતાં હોવાને કારણે ગુમાવેલી રકમ પરત મળવી લગભગ અશક્ય બની જાય છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં હજારો વખત અપીલ કરવામાં આવી છે કે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો તુરંત જ ૧૯૩૦ ઉપર ફોન કરો ત્યારે હવે એવી અપીલ પણ કરાઈ છે કે સાયબર ક્રાઈમનો ભોગ બન્યાની પાંચ કલાકમાં જ ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી દેવામાં આવે તો ગુમાવેલી રકમ પરત મળવાની શક્યતા અત્યંત વધુ રહે છે.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી કે સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી સાયબર ફ્રોડની ઘટના બને તો તુરંત જ ગોલ્ડન અવર્સ મતલબ કે ફ્રોડ થયાની પાંચ કલાકમાં હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરવો જોઈએ.
ગુજરાતમાં તા.૧ જાન્યુઆરી-૨૦૨૪થી તા.૧૫ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧.૩૧ લાખ લોકો સાથે સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે. આ પૈકી છેતરપિંડીમાં ગયેલી રકમ કે જે ૨૮૫.૧૨ કરોડ જેટલી થવાય છે તે સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફ્રિઝ કરી દેવામાં આવી હતી. આ રકમમાંથી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ૧૦૮.૦૮ કરોડ રૂપિયા રિકવર કરીને પરત કરવામાં આવ્યા છે.
સ્ટેટ સાયબર ક્રાઈમ એસબી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવાના હેતુસર સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ૩ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર દરમિયાન ૧૦ દિવસની ખાસ ઝુંબેશ ચલાવાઈ હતી. આ ઝુંબેશમાં રાજ્યની ૪૦૯૦૫ અરજીઓના ઓપિનિયન પોલ લોક અદાલતમાં રજૂ કરાયા હતા જેના ટૂંક સમયમાં હુકમ થઈ ગયા બાદ વધુ ૭૫ કરોડ રૂપિયા પરત મળશે.