ડૉક્ટર તરીકે ઓળખ આપી યુવતીને સ્નેપચેટમાં ફસાવી પૈસા પડાવી લીધા
જો યુવતી વશમાં ન થાય તો સ્નેપચેટ અને વૉટસએપ ચેટ પિતાને મોકલી દેવાની ધમકી આપી આચરેલી છેતરપિંડી
જેમ જેમ સોશ્યલ મીડિયાના ફાયદા મળી રહ્યા છે તેમ તેમ તેના ગેરફાયદાઓ પણ એટલા જ થઈ રહ્યા હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં લોકો તેનો ભોગ બની રહ્યા છે. આવો જ એક બનાવ લક્ષ્મીવાડી મેઈન રોડમાં બન્યો છે જ્યાં એક યુવકે ૨૩ વર્ષીય યુવતીને સોશ્યલ મીડિયા એપ્લીકેશન સ્નેપચેટમાં પોતાની ડૉક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને ફસાવી હતી અને બાદમાં તેની પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાતાં જ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટમાં જ રહેતી ૨૩ વર્ષીય યુવતીનો થોડા સમય પહેલાં સ્નેપચેટ મારફતે મીલન પટેલ અથવા કિશન પટેલ સાથે સ્નેપચેટ આઈડી ડૉ.મીલનપી૮૮૬૪ મારફતે સંપર્કમાં આવી હતી. રિકવેસ્ટ મળતાં જ યુવતીએ તેને સ્વીકારી લીધી હતી. આ પછી બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને આગળ જતાં સ્નેપચેટ તેમજ વોટસએપમાં ચેટિંગ (વાતચીત) કરવા લાગ્યા હતા. થોડા સમય બાદ કથિત ડૉ.મીલન પટેલે પોતાનો રંગ બતાવતા યુવતીને દબડાવાનું શરૂ કર્યું હતું અને જો તે તેને ૨૫ હજાર રૂપિયા નહીં આપે તો સ્નેપચેટ અને વોટસએપની ચેટ યુવતીના પિતાને મોકલી આપશે તેમ કહેતા જ યુવતીએ ગભરાઈ જઈને પૈસા આપી દીધા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે આરોપી કોઈ પ્રકારનો ડૉક્ટર નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે એટલા માટે તેણે યુવતીને રીતસરની છેતરી હોવાથી અલગ-અલગ કલમો હેઠળ તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
રેલવેની તત્કાલ ટિકિટ બુકિંગના નામે ૪૯૦૦ની છેતરપિંડી
સાયબર ક્રાઈમનો વધુ એક બનાવ નોંધાયો છે જેમાં કોઠારિયા રિંગરોડ પર રહેતા રવિ રઘુભાઈ રૈયાણી સાથે વોટસએપમાં `તત્કાલ ટિકિટ બુકિંગ ૧૦૦%’ નામના ગ્રુપ એડમીને રાજકોટથી પંચમઢી જવાની રેલવે ટિકિટ તત્કાલમાં કરાવી આપવાનું કહી પે-ટીએમ મારફતે ૪૯૦૦ રૂપિયા પડાવી લીધા હતા પરંતુ ટિકિટ ન આપતાં આખરે આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.