રાજકોટના ૮ પોલીસ મથકમાં ૧૬ વર્ષથી વોન્ટેડ’ બૂટલેગર પકડાયો
રાજસ્થાનમાં બેસીને દારૂનું નેટવર્ક ચલાવતાં બશીર સિપાઈને રાધનપુરથી દબોચી લેતું સ્ટેટ મોનિટરિંગ સેલ
રાજકોટના એકાદ-બે નહીં બલ્કે આઠ-આઠ પોલીસ મથકમાં છેલ્લા ૧૬ વર્ષથી
વોન્ટેડ’ એવા કુખ્યાત બૂટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાધનપુરથી દબોચી લેવામાં આવ્યો છે. આ બૂટલેગર વર્ષોથી રાજસ્થાનના સાંચોરમાં બેસીને રાજકોટમાં દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માગદર્શન હેઠળ પીઆઈ જી.આર.રબારીએ બશીર અલિભાઈ સિપાહી (ઉ.વ.૫૨, રહે.સાંચોર, હાલ અમદાવાદ)ને રાધનપુરથી પકડ્યો હતો. બશીર સામે થોરાળા પોલીસ મથકમાં ૨૦૦૮, ૨૦૦૯, માલવિયાનગર પોલીસ મથકમાં ૨૦૦૯, ક્રાઈમ બ્રાન્ચમાં ૨૦૧૬, બી-ડિવિઝન પોલીસ મથકમાં ૨૦૦૮, રાજકોટ રૂરલ પોલીસ મથકમાં ૨૦૦૮, ગાંધીગ્રામ પોલીસ મથકમાં ૨૦૦૮ અને રાજકોટ રૂરલ પોલીસ મથકમાં ૨૦૦૮ની સાલમાં દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધાયો હતો. જો કે શહેર પોલીસ તેના સુધી પહોંચી શકી ન્હોતી.
સ્ટેટ મોનિટરિંગ સેલે બશીરને પકડીને રાધનપુર પોલીસને સોંપ્યો હતો અને હવે ત્યાંથી રાજકોટ પોલીસ તેનો કબજો લઈને આગળની કાર્યવાહી કરશે.