બૂટલેગરે ૧૪ વર્ષની બાળકી પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું, ૧૧ વર્ષની બાળકીને કર્યા અડપલાં
પોતાના જ મકાનમાં માતા સાથે ભાડે રહેતી બે કુમળા ફુલ જેવી બાળકીને બનાવી હવસનો શિકાર: જો કોઈને કહેશે તો માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી’તી: આરોપી સકંજામાં
રાજકોટમાં સગીરાઓ ઉપર અત્યાચારના બનાવ અટકવાનું નામ જ લઈ રહ્યા ન હોય તેવી રીતે ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં સગીરા ઉપર એક સગીરે દુષ્કર્મ તો તેના બે મીત્રોએ અડપલાં કર્યાની ફરિયાદ નોંધાયા બાદ આ બાળકી ઉપર તેના પિતાએ પણ કુકર્મ કર્યાનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત પડધરીનો સાહિલ નામનો શખ્સ સગીરાને ભગાડીને લઈ ગયો હોવાનો બનાવ પણ બન્યો હતો ત્યારે હવે લાલપરી મફતિયાપરામાં માતા સાથે ભાડાના મકાનમાં રહેતી ૧૪ વર્ષની બાળકી ઉપર બૂટલેગર દ્વારા બે વખત દુષ્કર્મ અને ૧૧ વર્ષની બાળકીને અડપલાં કર્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકમાં સગીરાની માતાએ જણાવ્યું કે તે લાલપરી મફતિયાપરામાં સુલભ શૌચાલયની બાજુમાં આવેલા મકાનમાં ભાડેથી રહે છે અને મુળ જૂનાગઢની છે. તેના ૧૬ વર્ષ પહેલાં લગ્ન થયા હતા જેના થકી બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણ વર્ષ પહેલાં પતિ સાથે છૂટાછેડા થતાં મફતિયાપરામાં લીલાબેન નામની મહિલાના મકાનમાં ભાડે રહેવા આવી હતી. લીલાબેન અને તેનો દીકરો રાજેશ સહિતના મહિલાના મકાનની પાછળની શેરીમાં જ રહેતા હોવાથી રાજેશ વારંવાર ઘેર આવતો હતો.
દરમિયાન ગત ૨૭ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યાના અરસામાં ૧૧ વર્ષની દીકરી ગભરાયેલી જણાતાં તેને માતાએ પૂછતાં રડતાં રડતાં કહ્યું હતું કે રાજેશ મકવાણા ૨૬ ફેબ્રુઆરીએ રાત્રે નવેક વાગ્યે એક્ટિવા શીખવાના બહાને સુલભ શૌચાલય પાસેના રોડ પર અંધારામાં લઈ ગયો હતો અને અડપલાં ગર્યા હતા. રાજેશ આવું ત્રણ દિવસ પહેલાં પણ કર્યું હતું સાથે સાથે એવી ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કરશે તો મમ્મીને જાનથી મારી નાખીશ.
ત્યારબાદ ૧૪ વર્ષની પુત્રીએ પણ કહ્યું હતું કે સવા મહિના પહેલાં બપોરે બે વાગ્યે તે એકલી હતી ત્યારે રાજેશ મકવાણાએ ઘરમાં ઘૂસી શરીરસંબંધ બાંધ્યો હતો અને ધમકી આપી હતી. આવું બન્યાના ૧૫ દિવસ બાદ ફરી સાંજે ચાર વાગ્યે રાજેશે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પુત્રીઓની આપવીતી જાણતાં જ માતા ભાંગી પડી હતી અને બહેનપણી તેમજ તેના પતિને જાણ કરતાં તેમની મદદથી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે રાજેશ મકવાણાને સકંજામાં લીધો હતો.
તપાસમાં ખુલ્યા પ્રમાણે રાજેશ લાલપરીમાં અગાઉ દારૂ વેચવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.