વેપારીને કાળા-ધોળા મોંઘા પડ્યા: પાંચ કરોડમાં લૂંટાયો
કપડાંના વેપારી પાસે પાંચ કરોડ બ્લેકના પડ્યા હોય તેને વ્હાઈટ કરાવવાની તાલાવેલી ઉપડતાં મુંબઈના બે ગઠિયાના સંપર્કમાં આવ્યા’ને થયો ખેલ
સુરતના રાંદેર વિસ્તારની ઘટના
લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે…આ કહેવતને કપડાંના એક વેપારીએ બરાબર સાચી ઠેરવી છે. વેપારી પાસે પાંચેક કરોડ રૂપિયા બ્લેક મતલબ કે બેનામી પડ્યા હોય તેને વ્હાઈટ મતલબ કે કાયદેસર કરાવવા માટે કસરત શરૂ કરી હતી. તેની આ જ કસરતનો લાભ લઈ બે ગઠિયાઓએ પાંચ કરોડની રકમની લૂંટ ચલાવતાં ચાર જિલ્લાની પોલીસ દોડતી થઈ જવા પામી હતી. સદ્ભાગ્યે પોલીસે બન્ને ગઠિયાને દબોચી લઈ તમામ મુદ્દામાલ રિકવર કરી લેતાં મોટા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને કપડાંનો વેપાર કરતા હરીશભાઈ નામના વેપારી પાસે પાંચ કરોડનું કાળું નાણું પડ્યું હતું. તેને ચોખ્ખા કરવા માટે છેલ્લા છ મહિનાથી તે મુંબઈના કોઈ વેપારી સાથે વાતચીત કરી રહ્યા હતા. આ પછી મુંબઈના એક બે વેપારીએ બે લોકોનો સંપર્ક આપ્યો હતો. આ બે લોકો સાથે હરીશભાઈ ૨૦ દિવસથી સંપર્કમાં હતા. વેપારી અને ગઠિયા વચ્ચે એવું નક્કી થયું હતું કે બેનંબરના પૈસા તે આપશે એટલે તુરંત જ તે વ્હાઈટના પૈસાનું ચૂકવણું આરટીજીએસ મારફતે કરી દેશે.
દરમિયાન શુક્રવારે સવારે આ બન્ને શખ્સો હરિશભાઈને મળ્યા હતા ત્યારે તેમની પાસે પાંચ કરોડ રૂપિયા પણ સાથે હતા. ત્યારબાદ એક વ્યક્તિએ ફોન કરીને તેના ચાર સાગ્રીતોને પૈસા સાથે હરિશભાઈ આવી ગયાનું જણાવતાં ચાર લોકો સફેદ કલરની ઈનોવા કાર લઈને આવ્યા હતા. કાર આવ્યા બાદ હરિશભાઈ અને બન્ને ગઠિયા કારમાં બેસીને રવાના થયા હતા.
કાર થોડે જ દૂર ચાલી કે શ્રીકાંત નામના એક શખ્સે હરિશભાઈને ગાડીમાંથી ઉતારી દઈ પાંચ કરોડ લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ અંગેની જાણ હરિશભાઈએ રાંદેર પોલીસને કરતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને થોડા જ સમયમાં સુરત ઉપરાંત વાપી, નવસારી અને વલસાડ પોલીસે મળી ઓપરેશન પાર પાડીને છએય શખ્સોને કાર તેમજ રોકડ સાથે વલસાડ પાસેથી દબોચી લીધા હતા. આ કાર એક ટોલનાકામાંથી પસાર થયાની જાણ થતાં જ તેના સીસીટીવીના આધારે પગેરું મેળવી પોલીસ લૂંટારુઓ સુધી પહોંચી ગઈ હતી.