જેણે અપહરણ કર્યું તેને જ ભાસ્કર-પરેશ ઓળખી શક્યા નથી: ૩૧ આરોપી ૨૫ વર્ષે નિર્દોષ છૂટ્યા
રાજકોટ જ નહીં બલ્કે આખા દેશમાં ચકચારી બનેલા ભાસ્કર-પરેશ અપહરણકાંડમાં કોર્ટનો ચુકાદો
ભાસ્કર-પરેશનું અપહરણ યુરોપીયન જીમખાના પાસેથી થયાનું પૂરવાર નથી થતું
મોટાભાગના પોલીસ સાક્ષીઓ, મામલતદાર સહિતના આરોપીઓને ઓળખી નથી શક્યા, ફરિયાદીના પૂરાવામાં પણ મહત્તમ વિરોધાભાસ સહિતની દલીલોને કારણે કોર્ટનો આખરી ફેંસલો
અપહરણ થયું ત્યારના પોલીસ કમિશનર સુધીર સિન્હા, ડીસીપી અરુણ શર્મા અને એસીપી એન.કે.ગોહિલને પણ તપાસાયા ન હોવાની આરોપીઓના વકીલોની દલીલ કોર્ટે માન્ય રાખી
કુલ ૩૩૩માંથી ૫૬ સાહેદને તપાસાયા, ૩૯ હોસ્ટાઈલ (ફરી ગયા)
રાજકોટ જ નહીં બલ્કે આખા દેશમાં જેના કારણે ચકચાર મચી હતી તે ભાસ્કર-પરેશ અપહરણકાંડમાં ૨૫ વર્ષે કોર્ટે ચુકાદો આપીને આ ગુનામાં સામેલ તમામ ૩૧ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ તરફે રોકાયેલા વકીલોએ દલીલ કરી હતી કે ભાસ્કર અને પરેશનું અપહરણ યુરોપીયન જીમખાના પાસેથી થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ચોક્કસ આ જ સ્થળેથી અપહરણ થયાનું પૂરવાર થયું નથી. આ ઉપરાંત મોટાભાગના પોલીસ સાક્ષીઓ, મામલતદાર સહિતના આરોપીઓને ઓળખી શક્યા નથી સાથે સાથે ફરિયાદીના પૂરાવામાં પણ મહત્તમ વિરોધાભાસ હોવા સહિતની દલીલ કોર્ટે માન્ય રાખી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
આ ચકચારી અપહરણકાંડનો ઈતિહાસ જોવા જઈએ તો ગત તા.૧૨-૧૧-૨૦૦૦ના બપોરે ૨:૪૫ વાગ્યે પરેશ-ભાસ્કરનું યુરોપીયન જીમખાના સામેથી રિવોલ્વર, પીસ્તલ જેવા વિદેશી બનાવટના પ્રતિબંધિત ઘાતક હથિયારો બતાવી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ ભાસ્કર-પરેશને ૧૨-૧૧-૨૦૦૦થી ૨૬-૧૧-૨૦૦૦ સુધી અલગ-અલગ ગામોમાં અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. ત્યારબાદ પરેશ શાહને પોલીસે ઓપરેશન હાથ ધરી મુક્ત કરાવ્યો. જો કે એ સમયે આરોપી રાજશી હાથીયા મેરે પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. સામે પોલીસે પણ ગોળીબાર કરતાં રાજશી માર્યો ગયો હતો. આ પછી ૧૨-૧૧-૨૦૦૦થી તા.૧-૧૨-૨૦૦૦ સુધી ભાસ્કરને ગોંધી રાખી ભાસ્કરના પિતા પ્રભુદાસભાઈ પારેખને ફોન કરી ૨૦ કરોડની ખંડણી માંગી હતી. આ પછી ૩ કરોડ નક્કી કરાયા બાદ દોઢ કરોડની ખંડણી રોકડમાં અને ભાસ્કરે પહેરેલા દાગીના કે જેની કિંમત ૧.૧ લાખ રૂપિયા જેવી થાય છે તે લઈને દિલ્હીથી મુક્ત કર્યો હતો.
આ ઉપરાંત આરોપીઓએ પરેશ તેમની પાસે હતો ત્યારે તેના ભાઈ ચંદ્રેશ લીલાધર શાહને ફોન કરી એક કરોડની ખંડણી વસૂલી હતી. આ પૈસા તેણે ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર શેખ અહેમદ ઓમાર (લંડન)ને ભારતમાં આતંકી પ્રવૃત્તિ ફેલાવવા માટે જરૂર હોવાથી આ કાંડમાં સામેલ આફતાબ અંસારી પાસેથી એક લાખ ડોલર માગતાં એટલા પૈસા ખંડણીમાંથી આપવામાં આવ્યા હતા અને તે રકમમાંથી એક ટ્રક ખરીદી રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર દ્વારા આફ્તાબ અંસારીએ આસીફરઝાખાન ઉર્ફે રાજન દ્વારા ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસાડી ભારતમાં હિન્દુ નેતાઓ તેમજ એરપોર્ટ, વિધાનસભા, સંસદભવન ઉપર ધડાકાઓ કરી તારાજી ફેલાવવા માટે હથિયારો પૂરા પાડ્યા હતા.
આ અંગેની ફરિયાદ નોંધાતાં જ પોલીસે એક બાદ એક ૪૭ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવતાં કેસ ચાલવા ઉપર આવ્યો હતો. ચાર્જશીટ રજૂ કરવામાં આવતા ગયા તેમ તેમ નીચેલી દઆલતમાંથી સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થતો ગયેલ જેમાં પ્રથમ કેસ ૨૦૦૩માં અને છેલ્લો કેસ ૨૦૧૯માં એ રીતે કુલ ૯ સેશન્સ કેસ નંબર રજિસ્ટર થયેલ જેને કોન્સોલિડેટ કરી તમામ કેસ સાથે ચલાવવામાં આવેલ જે કેસ રાજકોટની જુદી જુદી સેશન્સ આલદતમાં અનેક જજ પાસેથી પસાર થયેલ અને પાંચ જિલ્લા સરકારી વકીલ પણ બદલી ગયા હતા. દરમિયાન આ કેસ રાજકોટના એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સિંઘની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતાં ૨-૭-૨૦૨૪ના પૂરાવા નોંધવાનું શરૂ કરી તા.૧૮-૧૨-૨૦૨૪ના પૂરાવા પૂર્ણ કરી આરોપીઓનું એફએસ બાદ તમામ પક્ષની દલીલ સાંભળી તા.૩૧-૧૨-૨૦૨૪ના ચુકાદો આપવાનું મુકરર કરાયું હતું.
આરોપીઓ તરફે એવી શું દલીલ કરાઈ જેણે આરોપીઓને નિર્દોષ છોડાવ્યા
- ભાસ્કર-પરેશ પણ કોઈ આરોપીઓને ઓળખી બતાવતા નથી
- મોટા ભાગના પોલીસ સાક્ષીઓ તેમજ ઓળખ પરેડ કરાવનાર મામલતદાર સહિતનાઓ પણ આરોપીઓને ઓળખી શક્યા નથી
- ફરિયાદપક્ષના પૂરાવામાં મહત્તમ વિરોધાભાસ છે
- યૂરોપીયન જીમખાના પાસેથી બંનેનું અપહરણ થયાનું પણ પૂરવાર થતું નથી
- પરેશ શાહને વાલીયા તાલુકાના થવા મુકામે તેમજ ભાસ્કરને દિલ્હીમાં ગોંધી રખાયાનું પૂરવાર થતું નથી
- જેની પાસે ખંડણી મંગાઈ તે પ્રભુદાસ પારેખને તપાસવામાં આવ્યા નથી
- તત્કાલિન પોલીસ કમિશનર સુધીર સિંહા, ડીસીપી અરુણ શર્મા, એસીપી એન.કે.ગોહિલને પણ તપાસાયા નથી
- પોલીસ સાહેદો દ્વારા વિટનેસ બોક્સમાંથી જે આરોપીઓને ઓળખવા કોશિશ કરી હતી તેમાં ખોટા વ્યક્તિને આરોપી તરીકે ઓળખી બતાવ્યા
ચકચારી અપહરણકાંડના આરોપીઓ જે નિર્દોષ છૂટ્યા
ધર્મેન્દ્ર રૂપસિંહ વસાવા, ઈનાયત દાઉદ પટેલ, અમીશ ચંદ્રકાંત બુદ્ધદેવ, મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ, વિશાલ વલ્લભભાઈ માડમ, કિશોર માધવજીભાઈ વેગડા, દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા, જીજ્ઞેશ ઉમેશભાઈ પાંઉ, મેહુલ ઉમેશભાઈ પાંઉ, રાજેન્દ્ર વ્રજલાલ ઉનડકટ, શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી, શૈલેન્દર અંતરસીંગ જાંટ, દિલીપ અમૃતલાલ પટેલ, રાજુ ઉર્ફે રૂપમ કાંતિભાઈ પોપટ, સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જાટ, પ્રદીપ ઉર્ફે ડૉ.અનારસીંગ જાંટ, સૂરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસિંહ જાટ, હિતેશ હરભમભાઈ સીસોદીયા, નીતિનકુમાર ઉફર્ષ મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ, ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી, બ્રિજમોહન હનુમાનરાય શર્મા, ફજલ રહેમાન ઉર્ફે ફજલુ ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડૉક્ટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર ોખ, મહમ્મદ સીદીક સમેજા, ભાવિન કિરીટભાઈ વ્યાસ, મહમ્મદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા, આનંદ ઘેલુભાઈ માડમ, ઈરફાન અકીલભાઈ શેખ, ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લિમ, તેજસ રાણાભાઈ ડેર, ભલાભાઈ કચરાભાઈ નારીયા, ક્રિનવ રમેશભાઈ ચૌધરી, રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી, મનોજ પ્રવીણભાઈ સંખાવરા, આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી, જલાલુદ્દીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મોહમ્મદ સુલતાન, ઈમ્તિયાઝ નુરમહમ્મદ નકરાણી, દીપક નાગેશ્વર મંડલ, સચિન વલ્લભભાઈ માડમ, અજય ઉર્ફે ષણી ગુણુભાઈ મારૂ, શાંતિલાલ ડાયાભાઈ વસાવા, લેનીન ઉર્ફે પેરુ અર્જુનભાઈ વસાવા, દિનેશ ચતુરભાઈ વસાવા, સવા દેવાયતભાઈ કાનગડ, કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુક્લ, મનોજ હરભમભાઈ સીસોદીયા, જીજ્ઞેશ કીર્તિભાઈ શાહ, ભૂપત સામતભાઈ કનારા
૨૦ કરોડની ખંડણી મંગાઈ ૩ કરોડ નક્કી થયા, દોઢ કરોડ વસૂલાયા
૨૦૦૦ની સાલમાં ભાસ્કર-પરેશનું અપહરણ થયું હતું. આ પછી તેમને અલગ-અલગ સ્થળે લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા અને ત્યારબાદ ખંડણી માંગવાનો સિલસિલો શરૂ થયો હતો. આરોપીઓ દ્વારા સૌપ્રથમ ૨૦ કરોડની ખંડણી મંગાયા બાદ રકઝકના અંતે ૩ કરોડ નક્કી થયા હતા અને આખરે દોઢ કરોડની વસૂલાત કરવામાં આવી હતી.
રાજશી હાથિયા મેર, આસીફ રઝાખાનનું એન્કાઉન્ટર: ૪૭માંથી ૧૧ આરોપી હયાત નથી
આ અપહરણ સાથે સંડોવાયેલા રાજશી હાથિયા મેર અને આસીફરઝાખાન ઉર્ફે રાજનનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. કુલ ૪૭ આરોપીમાંથી ૧૧ આરોપીઓ હાલ હયાત નથી અને પાંચ આરોપી ભાગેડું હોવાનું સામે આવ્યું છે.