પ્રહલાદ રોડ પર વેપારીના કારખાનામાંથી બંગાળી કારીગરે 17.50 લાખનું સોનુ ચોર્યું
દાગીના બનાવવા સોનુ અપાતું તેમાંથી કારીગર થોડુ થોડુ કાઢી લેતો : હિસાબમાં અઢી ગ્રામની ઘટ જણાતાં માલિકે સીસીટીવી ફૂટજે ચેક કરતાં ભાંડો ફુટયોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી કારીગરને પકડ્યો
શહેરમાં પ્રહલાદ રોડ પર આવેલા ધાનક હાઉસ જીકેડી જવેલ્સ નામના સોનાના દાગીના બનાવતાં કારખાનામાં દોઢેક વર્ષથી દાગીનાને પોલીશ કરવાનું કામ કરતાં બગાળી કારીગરે પોતાને તથા બીજા કારીગરોને દાગીના બનાવવા માટે અપાતાં સોનામાંથી બે મહિના દરમિયાન કટકે કટકે રૂ.૧૭.૫૦ લાખનું ૨૪૦ ગ્રામ સોનુ ચોરી લેતા એ-ડિવીઝન પોલીસમાં સોની વેપારીએ બગાળી કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તેને પકડી વધુ પૂછતાછ હાથધરી છે.
બનાવની વિગત મુજબ યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ-૧રમાં શીવપેલેસ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને પ્રહલાદ રોડ પર ગરબી ચોકમાં ધાનક હાઉસ જીકેડી જવેલ્સ પ્રા.લિ. નામનું સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવતા નિરજભાઈ ગીરીશભાઇ ધાનક (ઉ.વ.૪૨)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સાગોર હુશેન મીનરલ એસકે (રહે.રામનાથપરા-પમાં,મૂળ.વેસ્ટ બંગાળ)નું નામ આપતા જણાવ્યું હતું કે, તેમના કારખાનામાં ૪૦ જેટલા કારીગરો દાગીના બનાવવાનું કામ કરે છે. જેમાં છેલ્લા દોઢેક વર્ષથી વેસ્ટ બંગાલનો સાગોર હુશેન નામનો કારીગર કામ કરે છે,તે દાગીનાને પોલીશ કરવાનું કામ કરતો હતો. ગત ૪/૧૦/૨૪થી તા. ૨/૧૨/૨૪ સુધીના સમયમાં કારખાનામાં કામ કરતાં પૈકીના નવેક જેટલા બંગાળી કારીગરોને અલગ અલગ સોનાના દાગીના બનાવવા માટે સોનુ આપ્યું હતું.
એ દરમિયાન ૧/૧૨ના સવારે સાડા અગિયારેક વાગ્યે તે પોતાના ઘરે હતો ત્યારે કારીગર દિપક બંગાળીએ ફોન કરી કહેલું કે યુસુફઅલીને દાગીના બનાવવા જે સોનું આપ્યું હતું તેમાંથી એક નંગની ઘટ છે. તે કોઇએ ચોરી કર્યું લાગે છે.જેથી તેઓએ કારખાના પર આવીને સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં સાગોર હુશેન મીનરલ એસકે જે યુસુફઅલીના વાટકામ રાખેલા સોનાની ચોરી કરતો જોવા મળ્યો હતો.જેથી વેપારીએ સોગરને ઓફિસ પર બોલાવીને પૂછતાં તેને કહેલુ કે છેલ્લા બે માસથી હું થોડુ થોડુ સોનુ ચોરી કરતો હતો. આ સોનુ મને અપાતા સોનામાંથી અને બીજા કારીગરોને દાગીના બનાવવા અપાતા સોનામાંથી ચોરી લેતો હતો. જેથી હિસાબ કરતાં કુલ રૂ. ૧૭,૫૦,૦૦૦નું ૨૪૦ ગ્રામ સોનુ ચોરી લીધાનું જણાયું હતું. જેથી આ મામલે ગુનો નોંધાવતા પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ.ડી.ડાંગીએ ગુનો નોંધી સાગોર હુશેનને પકડી પાડ્યો હતો.