રાજકોટમાં સોની વેપારીનું રૂ.૯.૦૯ લાખનું સોનું લઈ બંગાળી કારીગર પલાયન
કાનની બુટી બનાવી આપવા માટે ૧૦૦ ગ્રામ ફાઇન સોનાનું બિસ્કીટ અને એક ચેઇન આપ્યા’તાં: કારીગરે પાંચ દિવસમાં દાગીના બનાવી દેશે એવું કહ્યું અને ભાગી ગયો : એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો
સોની બજારમાંથી વધુ એક બંગાળી કારીગર વેપારીનું સોનુ લઇ ફરાર થઇ ગયાની ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાથીખાના વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં દુકાન ધરાવનાર મૂળ બંગાળના જ વતની વેપારીએ બંગાળી કારીગરને રૂ.૯.૦૯ લાખનું સોનું આપતા તે ફરાર થઇ જતા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હાથીખાના શેરી નંબર ૬૧૫ માં રહેતા મોહમ્મદ ઇકરામુલ હક્ક(ઉ.વ ૪૯) નામના સોની વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રામનાથપરા મેઇન રોડ પર રહેતા હસનઅલી શૈયફલ આલમ શેખનું નામ આપ્યું છે.વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સોની બજાર માધવ દર્શન કોમ્પલેક્ષમાં જસ્મીન મશીન કટ નામની દુકાન આવેલી છે અહીં તે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. આરોપી હસન અલીને તેઓ છેલ્લા એકાદ વર્ષથી ઓળખે છે.દરમિયાન ગત તારીખ ૧૨-૧૦ના તેણે આરોપી હસન અલીને ૧૦૦ ગ્રામ ફાઈન સોનાનું એક બિસ્કીટ અને ૧૮ કેરેટ ૨૯ ગ્રામનો સોનાનો ચેન કાનમાં પહેરવાની બુટ્ટી બનાવવા માટે આપ્યો હતો. જે પાંચ દિવસમાં તૈયાર કરી પરત આપવાની શરતે આ સોનું આપ્યું હતું.બાદમાં પાંચ દિવસ બાદ વેપારીએ આ હસનઅલીને ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.
જેથી તેના ઘરે જઈ તપાસ કરતા મકાનમાલિકે કહ્યું હતું કે, હસનઅલી કયાંક જતો રહ્યો છે બાદમાં તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો ન લાગતા વેપારીએ બંગાળી કારીગર હસનઅલી ૧૦૦ ગ્રામ ફાઈન સોનાનું બિસ્કીટ જેની કિંમત ૭.૪૫ લાખ તથા ૧૮ કેરેટનો ૨૯ ગ્રામ સોનાનો ચેન કિંમત ૧.૬૪ લાખ મળી કુલ .૯.૦૯ લાખનું સોનું લઇ ગયા બાદ પરત ન આપી નાસી જતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.