રાજકોટના સોની વેપારીનું 2.56 કરોડનું સોનુ લઇ બંગાળી કારીગર છુમંતર
15 વર્ષથી કામ કરતા બંગાળી બંધુઓએ વેપારીને વિશ્વાસમાં લઇ ઘરેણા બનાવવા માટે સોનુ લીધા બાદ કળા કરી : પત્ની બીમાર હોવાનું કહી કારખાનેથી નીકળતા બાદ પરત આવ્યા નહિ : એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટના સોની બજારમાં સોની વેપારી સાથે કામ કરતા બે સગા બંગાળી ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને સાથે કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને નાશી ગયા હતા.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા સમયથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગોદાસ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભ જાન્યુઆરી માસથી આશિષભાઈને સાથે કામ કરતા હતાં.
સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા. દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. અને આગળ દિવસે તેઓની પત્ની બીમાર હોય અને ગામ જવાના હોય તેવી વાત પણ કરી હતી. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગ અને સૌરભ ઘરે હાજર મળ્યા ન હતાં. તેદરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ગયા હોવાનું માલુમ પડતા ફરિયાદીએ તેમને અવાર નવર ફોન પણ કર્યા હતા પરંતુ ફોન બંધ આવતો હતો.ઉપરાંત બંને ભાઈઓની કોઈ ભાણ ન મળતા અંતે બંને ભાઈઓ રૂ 2,56,12,932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયા હોવાની એ- ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે,સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો છે.જેની નોંધણી પણ પોલીસમાં કરવામાં આવે છે.છતાં પણ છેતરપિંડીના બનાવો અવાર નવાર સામે આવે છે.