પોલીસ બનીને ઉઘરાણી’ કરે તો ચેતી જજો, ઈરાની ગેંગ હોઈ શકે !!
અમદાવાદમાં ૫૦થી વધુ સ્થળે ઈરાની ગેંગના પોસ્ટર લગાવાયા: જે અને કે ડિવિઝનના એસીપીએ ખુદ મેદાને ઉતરી લોકોને આપી સમજણ
વૃદ્ધો અને મહિલાઓને ખાસ સાવચેત રહેવા અપીલ: આવી પોલીસ પાસેથી પહેલાં આઈકાર્ડ માંગવું
દિવાળી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે આ પર્વમાં લોકો મન ભરીને ખરીદી કરતા જ હોય છે. આ તહેવારમાં મોટાપાયે રોકડ આમથી તેમ થઈ રહી હોય તેનો લાભ ખાટી જવા માટે ગઠિયાઓ મેદાને ઉતરી જ ગયા હશે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પોલીસ બનીને લોકો પાસેથી
ઉઘરાણી’ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોય પોલીસ દ્વારા અત્યારથી જ લોકોને સાબદાં કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ઈન્ચાર્જ સેક્ટર-૨ નીરજ બડગુજર, ડીસીપી ઝોન-૬ રવિ મોહન સૈની દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે-ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા અને કે-ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપિંડી કરતી જુદી જુદી ગેંગના આરોપીઓ દ્વારા અખત્યાર કરાતી મોડેસ ઓપરેન્ડીથી માહિતગાર કરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.
ખાસ કરીને પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવી લેવા માટે ઈરાની ગેંગ કુખ્યાત ગણાતી હોય શહેરમાં ૫૦થી વધુ સ્થળોએ આ ગેંગમાં સામેલ લોકોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
ઈરાની ગેંગ કેવી રીતે પડાવે છે પૈસા ?
- પોલીસ તરીકે ઓળખ આપે, ટૂંકા વાળ હોય, સાદાં કપડાં પહેરેલા હોય
- મોટી ઉંમરના વૃદ્ધ તેમજ આધેડ તેમજ મહિલાઓ બને છે ટાર્ગેટ
- થોડે દૂર ખૂન કે લૂંટનો બનાવ બન્યો છે એટલે ઘરેણા કાઢી નાખો તેમ કહી ઘરેણા પડાવી લેવા
- બે અથવા ચાર લોકો મોટર સાઈકલ ઉપર આવે છે
આ ગેંગની કેવી રીતે બચી શકાય ?
- પોલીસ તરીકે ઓળખાણ આપે એટલે સૌથી પહેલાં આઈકાર્ડ માંગવું, આઈકાર્ડ ન આપે તો મોટર સાઈકલનો નંબર લઈને નજીકના પોલીસ મથક અથવા ૧૦૦ નંબર ઉપર ફોન કરવો
- વૃદ્ધાએ ઘરેણા પહેરીને બહાર નીકળવાનું ટાળવું, બહાર નીકળવી જ પડે તેમ હોય તો સાથે કોઈને રાખવા
- કોઈ પણ ભોગે ઘરેણા ન ઉતારવા છતાં પણ દબાણ કરાય તો તુરંત પોલીસને બોલાવવી