બેન્ક કર્મીને ફોન આવ્યો’ને તે બહાર ગયો, પાછળથી વૃદ્ધ બન્યા ‘શિકાર’
એટીએમ કાર્ડની અદલા-બદલી કરી છેતરપિંડી આચરતાં ગઠિયાઓ ફરી એક્ટિવ થયા
રાજકોટમાં એટીએમ કાર્ડની અદલા-બદલી કરી વૃદ્ધ સાથે છેતરપિંડી થયાનું પ્રકાશમાં આવતાં ગઠિયાઓ ફરી એક્ટિવ થયા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. એકંદરે વૃદ્ધને નવા એટીએમ કાર્ડમાં પીન જનરેટ કરવો હોય તેઓ બેન્ક કર્મીને સાથે રાખી એટીએમ રૂમમાં ગયા હતા. જો કે તે વેળાએ બેન્ક કર્મીને ફોન આવતાં તેઓ બહાર નીકળ્યા અને ગઠિયાએ વૃદ્ધને શિકાર બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે વિજયભાઈ લક્ષ્મીશંકર દવે (ઉ.વ.૬૩)એ નોંધાવેલી ફરિયાદ જણાવ્યું કે ગત તા.૧૦ ફેબ્રુઆરીએ તેમને પોસ્ટ મારફતે એસબીઆઈનું નવું એટીએમ કાર્ડ મળ્યું હતું. કાર્ડ માટે પીન જનરેટ કરવો હોય વિજયભાઈ ૧૧ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યે મવડી ફાયર બ્રિગેડની બાજુમાં આવેલી એસબીઆઈમાં ગયા હતા અને ત્યાં એટીએમનો પીન જનરેટ કરતાં પોતાને આવડતું ન હોવાનું કહેતાં એક કર્મચારી તેમની સાથે એટીએમ રૂમમાં આવ્યો હતો. જો કે કર્મચારીને અચાનક ફોન આવી જતાં તે વાત કરવા માટે બહાર નીકળ્યો હતો. આ સમયે પહેલાંથી જ ત્યાં એક શખ્સ હાજર હોય તેમને પીન જનરેટ કરી આપવા કહ્યું હતું. એ શખ્સને એટીએમ આપ્યા બાદ થોડી વારમાં તેણે પીન જનરેટ કરી આપ્યો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. આ પછી એટીએમ કાર્ડ મશીનમાં નાખતાં કોઈ પ્રક્રિયા ન થતાં વિજયભાઈ બેન્કમાં ગયા હતા ત્યાં સુધીમાં તેમના ખાતામાંથી ૩૧,૦૦૦ રૂપિયા ઉપડી ગયાનો મેસેજ મળ્યો હતો.
તપાસ કરતાં વિજયભાઈ પાસે રહેલું એટીએમ કાર્ડ તેમનું ન્હોતું અને તેમનું કાર્ડ રૂમમાં હાજર શખ્સ લઈને નીકળી ગયો હતો. આમ ગઠિયાએ કાર્ડની અદલા-બદલી કરી પૈસા ઉપાડી લેતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.