બાબા સિદીકીનો હત્યારો અડધી કલાક સુધી હોસ્પિટલ બહાર હાજર રહ્યો હતો
સીદીકીનું મૃત્યુ નિશ્ચિત જણાયા બાદ ભાગ્યો પણ અંતે નેપાલ સરહદ નજીકથી ઝડપાઈ ગયો
12 મી ઓક્ટોબરે મુંબઈમાં એનસીપીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાનો મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ શૂટિંગ કર્યા બાદ કપડાં બદલી લીલાવતી હોસ્પિટલની બહાર અડધી કલાક સુધી ઉભો રહ્યો હતો. બાબા સિદ્દીકી ની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણ્યા બાદ તે નાસી છૂટ્યો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ દ્વારા રવિવારે શિવકુમાર ગૌતમની નેપાલ સરહદ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ પૂછપરછ માં તેણે હત્યા પછીનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેના જણાવ્યા મૂળ યોજના મુજબ
તેણે અને હત્યાના અન્ય બે આરોપી ધર્મેશ કશ્યપ અને ગુરમેઇલ સિંઘે ઉજ્જૈન રેલવે સ્ટેશન ભેગા થવાનું નક્કી કર્યું હતું. ત્યાંથી લોરેન્સ બિશનોઈ ગેંગ નો માણસ તેમને વૈષ્ણોદેવી લઈ જવાનો હતો. જોકે ધર્મેશ અને ગુરુમેઇલ પકડાઈ જતા તે પ્લાન નિષ્ફળ ગયો હતો.
શિવકુમાર ગૌતમે કરેલી કબુલાત અનુસાર હોસ્પિટલેથી ભાગ્યા બાદ તે કુર્લા ગયો હતો. ત્યાંથી લોકલ ટ્રેનમાં બેસી થાણે અને બાદમાં પુણે પહોંચ્યો હતો. પુણે માં સાત દિવસ રોકાયા બાદ તે ઝાંસી અને લખનૌમાં રોકાયો હતો. દરમિયાનમાં પોલીસે શિવ કુમારના ચાર સાગરીતોની નેપાલ સરહદ પાસેથી ધરપકડ કરી હતી.
લખનૌમાંથી ખરીદેલા એક મોબાઇલ ફોન દ્વારા શિવકુમાર એ ચાર શખ્સો સાથે સતત સંપર્કમાં હતો. તેના લોકેશન પરથી પોલીસ પગેરુ દબાવતી હતી. અંતે તે ઉત્તર પ્રદેશના નાનપરા શહેરથી 10 કિલોમીટર દૂર અલગ અલગ દસથી પંદર જેટલી ઝુપડીઓમાં છુપાતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ત્રાટકી હતી અને તેને દબોચી લીધો હતો.