અવધ રોડ રેઢો પડ, પોલીસ ક્યારે-કેટલું પેટ્રોલિંગ કરે છે તેની જ નથી ખબર !
ડિટેક્શન નહીં, પ્રિવેન્શન જરૂરી…પોલીસને આ વાત ક્યારે સમજાશે ?
કંટ્રોલરૂમ પર કોઈનો ફોન આવે તો પીસીઆર જાય છે, બાકી સ્ટાફને મન પડે ત્યારે અવધ રોડ, ન્યારી ડેમ સહિતના વિસ્તારમાં મરાય છે લટાર'
અવધ રોડ એકદમ ડેવલપ થતો વિસ્તાર હોય અહીં તો ખાસ પેટ્રોલિંગ જરૂરી: નવી બાંધકામ સાઈટ ઉપર પથ્થમારો કરવો, નાની-મોટી ચોરી રોaજિંદી ઘટના
એ દિવસો દૂર નથી કે જ્યારે અવધ રોડ સહિતના વિસ્તારમાં રહેણાક વધી જશે ત્યારે જો આવી ગોઝારી ઘટનાઓ બનશે તો જવાબદાર કોણ ?
રાજકોટને શરમજનક સ્થિતિમાં મુકી દે તેવી ગોઝારી ઘટના થર્ટી ફર્સ્ટની રાત્રે અવધ રોડ પર બનવા પામી હતી. અહીં ચાર નશેડીઓએ આરામથી ભોજન લઈને રાજકોટ પરત ફરી રહેલા એક યુગલને આંતરીને તેમના ઉપર અમાનુષી સીતમ ગુજાર્યો હતો. હદ તો ત્યાં થઈ ગઈ કે મંગેતરની સામે હેવાનોએ યુવતી પાસે બિભત્સ માંગ કરવા ઉપરાંત ચેનચાળા કર્યા હતા. ખેર, પોલીસે આ ચારેયને પકડી તો પાડ્યા છે પરંતુ આ પ્રકારના બનાવો અટકાવવા માટે જે સખ્તાઈ અને ફરજનિષ્ઠા રાખવાની જરૂર છે તે રખાઈ રહી ન હોવાને કારણે આવા બનાવો બની રહ્યા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે અવધ રોડ યુનિવર્સિટી પોલીસ મથકની હદનો વિસ્તાર છે પરંતુ ત્યાંની પોલીસ ક્યારે-કેટલું પેટ્રોલિંગ કરે છે તેની જ કોઈને ખબર હોવાનું જાણવા મળી શક્યું નથી. જ્યારે કંટ્રોલરૂમ ઉપર કોઈ ફરિયાદ કરે ત્યારે જ અહીંની પીસીઆર વાન મોકલવામાં આવે છે બાકી તો સ્ટાફને જ્યારે મોજ પડે ત્યારે
લટાર’ મારવા નીકળી જતો હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
અવધ રોડ એ રાજકોટનો વિકસતો વિસ્તાર છે એટલા માટે યુનિવર્સિટી પોલીસ મથક દ્વારા આ વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તેના ઉપર બાજનજર રાખવાની તાતી જરૂરિયાત છે પરંતુ જ્યારે જ્યારે આવા બનાવો બને એટલે પોલીસ સફાળી જાગે છે અને આરોપીઓને પકડી લાવીને અમે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી લીધાં તેવી શેખી હાંકવામાંથી ઉંચી આવતી નથી પરંતુ આવા બનાવો બનવા જ શા માટે દેવાય છે ? શું પોલીસ અહીં સઘન પેટ્રોલિંગ કરીને લુખ્ખાઓ, ટપોરીઓ, નશેડીઓ, બેવડાઓ પર નજર ન રાખી શકે ?
આ વિસ્તારમાં અનેક એવી બાંધકામ સાઈટ ચાલી રહી છે જ્યાં ટૂંક સમયમાં રહેવા માટે લોકો આવી જશે પરંતુ અનેક એવી સાઈટ ઉપર જેવું કામ શરૂ થયું કે પથ્થરમારો કરવો, ચોરીઓ કરવી, ચોકીદાર ઉપર દાદાગીરી કરવી સહિતના બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે રાજકોટના પોલીસ કમિશનર, આ વિસ્તાર જેમના ઝોનમાં આવે છે તે ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ ખાસ્સું ધ્યાન આપવાની જરૂર છે.
પોલીસ ચોપડે ન નોંધાયા હોય તેવા કેસ કેટલા હશે ?
યુગલને માર મારીને લૂંટી લેવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચી એટલા માટે આ બનાવ પ્રકાશમાં આવ્યો પરંતુ અનેક યુગલ આ રીતે લૂંટાઈ રહ્યા હશે પરંતુ આબરૂ જવાની બીકે પોલીસ મથકનું પગથીયું ન ચડતાં હોય તેવું પણ બની શકે છે ત્યારે આવા કેસ કેટલા હશે તેની કલ્પના કરવી પણ અત્રે ઘટે…