રાજકોટમાં હત્યા કરી આશ્રમમાં છુપાઈ ગયેલો આસારામનો કટ્ટર ચાહક’ પકડાયો
૨૦૧૪માં અમૃત પ્રજાપતિ નામના સાક્ષીની હત્યામાં હતો સામેલ
આસારામ વિરુદ્ધ બોલનાર કે જનારને એસીડ એટેક, ધોકા-છરીથી હુમલા કરવામાં પંકાયેલો હતો
ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી કર્ણાટકના કાલબગુડીથી દબોચી લીધો
અત્યંત વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ગુજરાતમાં જો કોઈ હોય તો સૌથી પહેલું નામ આસારામનું આવશે. દુષ્કર્મ, હત્યા સહિતના અનેક કેસમાં જેલની હવા ખાઈ રહેલા આસારામનો કટ્ટર ચાહક કે જેણે ૨૦૧૪માં રાજકોટમાં આસારામ કેસના સાક્ષીની હત્યાના કાવતરામાં ઝંપલાવ્યું હતું તેને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકના કાલબગુડીથી દબોચી લીધો હતો. આ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૨૦૧૪માં બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતાં સંતકબીર રોડ પર ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે આવેલા અમૃત પ્રજાપતિ કે જે આસારામના અનેક
રાજ’ જાણતાં હોય ગમે ત્યારે ઘટસ્ફોટ કરવાના હોવાનું ધ્યાન પર આવતાં જ તેની સોપારી આપવામાં આવી હતી. આ પછી અમૃત પ્રજાપતિને શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં જ ભડાકે દેવામાં આવ્યો હતો. આ હત્યા કાંડમાં સામેલ અમદાવાદના મોઢેરામાં આવેલા આસારામના આશ્રમમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના સોલાપુરના કિશોર બાલકૃષ્ણ બોડકેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો.
કિશોર બોડકે આસારામનો એટલો કટ્ટર ચાહક હતો કે તે આસારામ વિરુદ્ધ બોલનારા કે જનારા ઉપર હુમલા કરતાં જરા પણ અચકાતો ન્હોતો. આ રીતે તેણે ત્રણ લોકો કે જે આસારામની વિરુદ્ધ ગયા હતા તેમના પર એસિડ, છરી, ધોકાથી હુમલા કર્યા હતા.
રાજકોટમાં અમૃત પ્રજાપતિની હત્યાને અંજામ આપવાના ગુનામાં ૧૧ લોકો સામેલ હતા જેમાં કિશોર પણ સામેલ હતો. આ કાંડમાં સામેલ ચાર લોકો પકડાઈ ચૂક્યા છે જ્યારે સાતની હજુ શોધખોળ ચાલી રહી છે. રાજકોટમાં હત્યાને અંજામ આપ્યા બાદ કિશોર વડોદરા, સુરત, મહારાષ્ટ્રમાં આસારામના આશ્રમમાં છુપાઈ ગયો હતો અને ત્યાંથી કર્ણાટકના કાલબગુડી પહોંચીને આશ્રમમાં સેવક તરીકે કામ કરતો હતો.