GSTના આસિ.કમિશનર સોમનાથ દર્શને ગયા’ને તસ્કરો કર્યો ૨.૪૮ લાખનો હાથફેરો
એરપોર્ટ મેઈન રોડ પર આવેલા મકાનને નિશાન બનાવતાં ચોરટાંઓ: સોના-ચાંદીના ઘરેણા, રોકડની સાથે જ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા
રાજકોટમાં તહેવારો નજીક આવતાં જ લોકોએ હરવા-ફરવા માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે સાથે સાથે તસ્કરો પણ એક્ટિવ' થઈ ગયા હોય તેવી રીતે એક બાદ એક બંધ ઘરને નિશાન બનાવી રહ્યા છે. આવો જ ચોરીનો એક બનાવ એરપોર્ટ મેઈન રોડ પર રહેતા જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના ઘરમાં બન્યો છે જ્યાં પરિવાર સોમનાથદાદાના દર્શન કરવા ગયો અને પાછળથી તસ્કરોએ ત્રાટકીને ૨.૪૮ લાખનો હાથફેરો કરી લેતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. આ અંગે એરપોર્ટ રોડ પર, ઈન્કમટેક્સ સોસાયટી, દિવ્યસિદ્ધિ પાર્કની બાજુમાં
નક્ષ’ નામના મકાનમાં રહેતા અને રેસકોર્સ ખાતે આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યરત શિવદાસ પિતાંબરભાઈ મેનને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૧૧ ઑક્ટોબરે સવારે છ વાગ્યે તેઓ, તેમના પત્ની, સાઢુભાઈ અને તેમના પત્ની સહિતના મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી દ્વારકા તેમજ સોમનાથ દર્શનાર્થે ગયા હતા.
આ પછી ૧૨ ઑક્ટોબરે સાંજે છ વાગ્યે પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાનું તાળું નકુચા સહિત તૂટેલું હોવાથી અંદર જઈને તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર અવસ્થામાં પડ્યો હતો. કોઈએ ઘરમાં ઘૂસીને એક રૂમના બે કબાટ તેમજ ઉપરના માળે ત્રણ રૂમના પાંચ કબાટ ખોલી નાખ્યા હતા તેમાં રહેલા સોના-ચાંદીના દાગી, મોતીનો હાર, ભગવાનના મંદિરમાં રહેલી ચાંદીનો ઢોલ ચડાવેલી નાની મૂર્તિ, ભગવાનની છાપવાળા ચાંદીના સિક્કા, બે ઘડિયાળ, ઘરના સીસીટીવી કેમેરાનું ડીવીઆર, ૪૦,૦૦૦ની રોકડ મળી કુલ ૨,૪૮,૫૦૦ રૂપિયાની માલમત્તા ચોરાઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી છે.