ભગવતીપરામાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલાયું : ત્રણ ઘવાયા
યુવતીને મેસેજ કરવા બાબતે માથાકૂટ થતાં બંધુ લીલા બિલ્ડર્સના કોન્ટ્રાકટર અને તેના પાડોશમાં રહેતા છોટુભાના પરિવાર તલવાર,ધોકા અને પાઇપ વડે એકબીજા પર તૂટી પડયા : બી ડિવિઝન પોલીસે સામસામે ગુનો નોંધ્યો
શહેરમાં ભગવતીપરામાં રહેતા બંધુ લીલા બિલ્ડર્સના કોન્ટ્રાકટર અને છોટુભાના પરિવાર વચ્ચે રાત્રિના તલવાર-ધોકા-પાઈપથી મારામારી થતા એક વૃદ્ધ તેમજ તેની સાથેના બે લોકોને ઈજા થઈ હતી તેમજ ટુવ્હીલર, કારમાં તોડફોડ કરવામાં આવી હતી. બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાતા બી ડીવીઝન પોલીસે હત્યાની કોશિશ, તોડફોડ, હુમલો, ધમકી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં બોરીચા સોસાયટી શેરીમાં રહેતા રણજીતસિંહ ખેંગારસિંહ જાડેજા (ઉ.65) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મયુર દેવાણંદ મઠીયા, સાગર દેવાણંદ મઠીયા, હિતેષ ચકુ મઠીયા, ભરત ચકુ મઠીયા અને તેમની બાજુમાં રહેતા લક્ષ્મણ મઠીયાના બે પુત્રોના નામ આપી જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્ર સાથે રહે છે. તેમજ તેમના મોટા સાળીના પુત્ર છોટુભા ગાંડુભા જાડેજા (ઉ.45) તેના પરિવાર સાથે જેમાં તેમનો દિકરો બ્રિજરાજસિંહ, દીકરી ધર્મિષ્ઠાબા જેમના લગ્ન થઈ ગયેલ છે. ધર્મિષ્ઠાબા અને ફરિયાદીની બાજુમાં દતાત્રેય સ્કુલવાળી શેરીમાં રહેતો મયુર મઠીયા સાથે અગાઉ મિત્રતા હોય જેથી બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બાદમાં સમાધાન થઈ ગયું હતું.ગઈકાલે તેઓ પોતાના ઘરે હતા ત્યારે શેરીમાં બોલાચાલીનો અવાજ આવતા તેઓ ઘરની બહાર નીકળેલ અને શેરીમાં જોતા છોટુભાના ઘરની બહાર શેરીમાં માણસો ઊભા હતા જેથી તેઓ ત્યાં પત્ની સાથે જતા ત્યાં છોટુભાનો પરિવાર અને તેમની ચારેક દિવસથી આંટો મારવા આવેલી પુત્રીને તેડવા માટે તેના પતિ યશપાલસિંહ ઝાલા આવેલ હોય જેઓ ત્યાં ઉભા હતા ત્યારે આરોપીઓ શેરીમાં હથિયારો સાથે ધસી આવેલ હતા. આરોપીઓએ પોતાની પાસે રહેલ તલવાર અને ધોકાથી બ્રિજરાજસિંહના બાઈકમાં ધોકાવાળી કરી નુકસાન કર્યું હતું.તેમજ તેમના જમાઈ યશપાલસિંહની ઈનોવા કારના કાચ પણ ફોડી નાખી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
જયારે સામાપક્ષે ભગવતીપરા મહાકાળી સોસાયટી-2માં બંધુ લીલા મકાનમાં રહેતા સાગર દેવાણંદભાઈ મઠીયા (ઉ.28)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે છોટુભા જાડેજા, છોટુભાના દિકરા બ્રિજરાજસિંહ, છોટુભાની દિકરી ધર્મિષ્ઠાના પતિનું નામ આપતા જણાવ્યું હતું કે તેઓ બાંધકામને લગતો વ્યવસાય કરે છે તેમના નાનાભાઈ મયુરના લગ્ન થઈ ગયા છે. મયુરને અગાઉ સોસાયટીમાં રહેતા છોટુભા જાડેજાના દિકરી સાથે મિત્રતા હોય બાદમાં બંને પરિવારને જાણ થતા સમાધાન કરી લીધુ હતું. ગઈકાલે તેઓ બાંધકામના ધંધાર્થે બેડીગામે ગયો ત્યારે મયુરે ફોન કરી બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ સહિતના લોકો માથાકુટનો ખાર રાખી ઝગડો કરી ગાળો આપે છે કહેતા તેઓએ તેમના મોટાબાપુના દિકરા હિતેષને ફોન કરી મયુર પાસે જવાનું કહ્યું હતું.બાદમાં તે ત્રિમૂર્તિ ચોક પાસે પહોંચતા તેમનો ભાઈ મયુર સહિતના લોકો હાજર હતા તેમજ બ્રિજરાજસિંહ છત્રપાલસિંહ સહિતના ગાળાગાળી કરતા હતા તેમની સાથેના ચિરાગને આરોપીઓ ઢીકાપાટુનો બાદમાં રાત્રે સાડા નવ વાગ્યે તેઓ તેમના ભાઈ મયુર, પિતરાઈ હિતેષ, સંજય, મિત્ર ચિરાગ, છોટુભાના ઘરે માથાકુટની વાત કરવા ગયા હતા ત્યારે છોટુભા સહિતના ચારેય શખ્સોએ ગાળો દઈ છત્રપાલસિંહે તેમના પર તલવારથી ઘા કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ધર્મિષ્ઠાબાના પતિએ પણ તલવારથી હુમલો કર્યો હતો તેમજ તેમના નાનાભાઈ મયુરને પણ બ્રિજરાજસિંહે તલવારનો ઘા ઝીંકી દેતા ગળામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયો હતો તેમજ છોટુભાએ તેઓ તમામને ઢીકાપાટુનો માર મારી ગાળો દીધી હતી. બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેથી આ મામલે બી ડીવીઝન પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ કે.જે.કરપડા અને ટીમે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.