એરપોર્ટમાં પેસેન્જર ભરવા બાબતે ટેક્સી ચાલકો વચ્ચે ધિંગાણું
10 શખ્સોએ પિતા-પુત્રને ધોકા પાઇપ વડે મારમારી લોહીલુહાણ કરતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટનું હીરાસર એરપોર્ટ અનેક બાબતે વિવાદોમાં સંપડાયું રહે છે. ત્યારે હવે તો ત્યાંના ટેક્સી ચાલકો પણ લુખ્ખાગિરી પર ઉતર્યા છે. જેમાં પેસેન્જર ભરવા જેવી નજીવી બાબતે ટેક્સી ચાલકો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. 10 શખ્સોએ પિતા-પુત્ર પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને આ મામલે કુવાડવા પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
માહિતી મુજબ રામપર બેટી ગામે રહેતા અને એરપોર્ટમાં પોતાની ટેક્સી ચલાવી ગુજરાન ચલાવતા પ્રૌઢે એરપોર્ટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં લાલજી અને વિક્રમ સહિતના 8 શખ્સોના નામ આપતા જણાવ્યું હતું કે,તે અને તેમના પુત્ર સંજય અને જયદીપ સાથે હતા ત્યારે તેના પુત્ર જયદીપ સાથે લાલજી અને વિક્રમી પેસેન્જરો ભરવા જેવી બાબતે એરપોર્ટમાં બોલાચાલી કરી હતી.અને બહાર નીકળો તમારા ટાંટિયા ભાંગી નાખીશું કહી ધમકી આપી હતી.
જેથી પિતા-પુત્રો રાત્રિના સમયે ઘરે જતાં હતા તે સમયે ગામના પાદર પાસે લાલજી અને વિક્રમ તેની સાથેના અજાણ્યા 8 શખ્સો સાથે ધોકા અને પાઇપ સાથે ઘસી આવ્યા હતા અને પિતા-પુત્રો પર હુમલો કર્યો હતો. જેથી ત્રણયને ઇજા પહોંચતા 108 મારફત સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસના પીએસઆઇ એ.કે. ગોસ્વામી સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. અને તેમની ફરિયાદ પરથી 10 શખ્સો સામે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.