પોલિટેકનિક કોલેજમાં ક્લાસમાં બેઠેલા છાત્રને અન્ય વિદ્યાર્થીએ છરી ઝીંકી
મશ્કરી કરવા મુદે ઝગડો કરી હુમલો કર્યો : ‘તું બચી જઇશ તો પછી પણ હું તને જાનથી મારી નાખીશ’ ધમકી આપતા થોરાળા પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક સરકારી પોલિટેકનીક કોલેજમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ મશ્કરી કરવા મુદે ઝગડો કરી છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે છાત્રની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલો કરનાર વિદ્યાર્થીની અટકાયત કરી છે.
વિગત મુજબ થોરાળા પોલીસે મુળ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાબેના ભરાણા ગામના વતની અને હાલ રાજકોટ લોહાણા બોડિંગમાં રહી આજીડેમ ચોકડી નજીક પોલીટેકનીક કોલેજમાં સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતા 18 વર્ષના છાત્ર મંથન અમિતભાઈ નથવાણીએ નોંધાવેલી ફરિયાદમાં તેની સાથે અભ્યાસ કરતાં આર્યન પીઠડીયાનું નામ આપતા જણાવ્યું હતું કે,મંગળવારે તે કોલેજે ગયો હતો. ત્યાં એકાદ વાગ્યે લંચ બ્રેક પડતાં તે અને બીજા બે મિત્ર મજાક મશ્કરી કરતાં હતાં. આ વખતે તેના જ વર્ગમાં ભણતો આર્યન ત્યાં આવ્યો હતો અને તમે શું મારી મશ્કરી કરો છો? તેમ કહેતા મંથને અમે મશ્કરી કરીએ તેમાં તને શું વાધો છે? તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ યુવકને ધક્કો મારી પછાડી દીધો હતો.
બાદમાં મંથન ક્લાસમાં જતો રહ્યો હતો. બપોરે બે વાગ્યે તે ફરીથી ક્લાસમાં ધસી આવ્યો હતો ત્યારે તેના હાથમાં છરી હતી. તેણે મંથનના કમરની ઉપરના ભાગે ડાબી બાજુ એક ઘા મારી દેતાં તે રાડારાડી કરવા માંડતા ભાગી ગયો હતો. જતાં જતાં ધમકી આપી હતી કે જો તું બચી જઇશ તો પછી પણ હું તને જાનથી મારી નાખીશ. જેથી લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.અને આ મામલે થોરાળા પોલીસના પીએસઆઇ એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.