વધુ એક નકલી IAS પકડાયો
મહેસૂલ વિભાગના ડાયરેક્ટરની ઓળખ આપી વાંકાનેરના શખ્સે ઈનોવા ગાડીનું ભાડું ન ચૂકવ્યું
સરકારી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી-અમદાવાદનો નકલી લેટરપેડ વાપર્યો
અસારવાની વિશ્વવિદ્યાલય સ્કૂલમાં ૭ લાખનું કલર કામ કરાવી હાથ ઉંચા કરી દીધા
ગુજરાતમાં જાણે કે `નકલી’ની બોલબાલા હોય તેવી રીતે અત્યાર સુધીમાં નકલી કોર્ટ, નકલી હોસ્પિટલ ઉપરાંત નકલી આઈપીએસ તેમજ આઈએએસ અધિકારીઓ પકડાઈ રહ્યા છે જેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાંકાનેરના ભેજાબાજને પકડી પાડ્યો છે જેણે નકલી આઈએએસ અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વાંકાનેરના પ્લેહાઉસ ટોકીઝ સિનેમા પાસે આવેલા શ્રીજી એપાર્ટમેન્ટ-૫૦૪માં રહેતા મેહુલ પરિમલભાઈ શાહને ગૃહ મંત્રાલયના સચિવ તરીકેના નકલી લેટર ઉપરાંત મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકેના નકલી દસ્તાવેજો કબજે કર્યો હતા. મેહુલે પોતાને મહેસૂલ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્યરત હોવાનું કહી પ્રતિક રાજેન્દ્રકુમાર શાહને શીશામાં ઉતર્યો હતો. પ્રતીક પાસે ઈનોવા કાર હોય તેમાં સાયરન ફિટ કરાવવા માટે મેહુલે ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ,ન્ડિયાની સહીવાળા બનાવટી લેટર તેમજ ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ડેવલપમેન્ટ, સચિવ-ગૃહમંત્રાલય ગાંધીનગરની સહીવાળો બનાવટી લેટર આપી ગાડીમાં સાયરન તેમજ પડદા લગાવડાવ્યા હતા. આ ઉપરાંત પ્રતીકને ઈનોવા ગાડીનું ભાડું પણ ચૂકવ્યું હતું.
આ ઉપરાંત મેહુલ શાહે પ્રતીક શાહના પુત્રને સરકારી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી-અમદાવાદનો નકલી લેટર પણ આપ્યો હતો તેમજ યાસીન મહેબુબભાઈ સિપાઈ પાસે અસારવા વિશ્વવિદ્યાલય સ્કૂલમાં કલર કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપી મજબૂરી તેમજ માલના ૭,૦૦,૪૪૯ રૂપિયા ચૂકવ્યા ન્હોતા.
મેહુલે આરમ.એમ.ચૌધરી-જિલ્લા શિક્ષણાધિકારી-અમદાવાદ તરીકેનો બોગસ લેટર વત્સલ ભાંભી નામની વ્યક્તિને આપ્યો હતો. આ લેટર વત્સલને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી ગયા અંગેનો હતો જે બનાવટી હતો જે પણ પોલીસે કબજે લીધો હતો.
મેહુલ પાસેથી શું શું મળ્યું
- મેહુલ શાહ-ચેરમેન, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાનો વર્ક લેટર
- ગાડીમાં સાયરન લગાવવા માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ડિપામર્યન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો બનાવટી વર્ક લેટર
- આર.એમ.ચૌધરી-જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદનો વત્સલ ભાંભી નામની વ્યક્તિને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નિમણૂક આપતો લેટર
- બે મોબાઈલ
- લેપટોપ
- સિક્કા બનાવવા માટેની પ્રિન્ટિંગ કિટ
- એક લાખની રોકડ
- આધારકાર્ડ
- મેહુલ પી.શાહ નામનું ભારત ગૌરવ રત્ન શ્રી સમ્માન કાઉન્સીલ એપ્રુવ્ડ બાય મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા નેશનલ મેમ્બરનું ઓળખપત્ર
- ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા-ગાંધીનગર સચિવાલય રેવન્યુ ડિપાર્ટમેન્ટનું ઓળખપત્ર
- ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ નામનું ઓળખપત્ર
- હેલ્થ એન્ડ ફેમિલી વેલ્કેફર ડિપામર્ટમેન્ટ નામનો પત્ર
- રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત નામનો પત્ર
- જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-અમદાવાદનો પત્ર
- મિનિસ્ટ્રિ ઓફ ફાયનાન્સ-નવીદિલ્હીનો પત્ર
- પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટ આપવા અંગેનો પત્ર