રાજકોટમાં બે પાડોશી વચ્ચેની મારામારીમાં વચ્ચે પડેલા નિર્દોષ આધેડની હત્યા
ગાય ફૂલછોડ ખાઈ જતી હોય તે બાબતે કોળી અને બાવાજી પરિવારમાં ઝગડો થયો *તો
રાજકોટના હડાળા ગામના પાટીયા પાસે બે પરિવાર ચાલતી સામસામી મારામારીમાં સમાધાન માટે વચ્ચે પડેલા પાડોશી રીક્ષા ચાલક ઉપર પણ હુમલો થયા બાદ તેમનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે બનાવમાં 7 વ્યક્તિને ઇજા થયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
રાજકોટનાં મોરબી રોડ ગણેશ પાર્કમાં રહેતા અને રીક્ષા ચલાવતાં વિનુભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.50)નું બીજુ મકાન હડાળા ગામના પાટીયા પાસે આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ હોય પોતાના મકાનની સાફસફાઈ કરવા માટે વ્રજ ભુમિ સોસાયટીમાં ગયા હતાં. આ વખતે પાડોશી કોળી અને બાવાજી પરિવાર વચ્ચેના માથાકૂટ ચાલુ હતી. બાવાજી પરિવારની ગાય સાંજે છુટી મુકી હતી અને ગાય કોળી પરિવારના ઘરના ફળીયા પાસે વાવેલ છોડવા ખાઈ જતાં આ બાબતે બાવાજી અને કોળી પરિવાર વચ્ચે બોલાચાલી થતાં બાદ મારામારી થઈ હતી. રીક્ષા ચલાવતાં વિનુભાઈ પોપટભાઈ ચાવડા વચ્ચે પડતાં તેમના ઉપર ધોકાથી હુમલો થતાં વિનુભાઈનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ટી.અકબરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે વ્રજ ભુમિ સોસાયટીમાં રહેતા અને સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાં નોકરી કરતાં લાખાભાઈ જીવરાજભાઈ પાટડીયા (ઉ.50)ની ફરિયાદ પરથી પાડોશમાં રહેતા પ્રવિણભાઈ નિરંજની, ચંદ્રેશ નિરંજની, ચિરાગ નિરંજની અને મંજુબેન નિરંજની સામે હત્યા અને હત્યાની કોશીષ સહિતની કલમો હેઠળ ગુનોં નોંધ્યો હતો.
જ્યારે સામા પક્ષે મંજુબેન પ્રવિણભાઈ નિરંજની (ઉ.50)ની ફરિયાદ પરથી લાખા પાટડીયા, અનિલ પાટડીયા, નિર્મલ પાટડીયા, સરોજબેન પાટડીયા સહિતના સામે વળતો હુમલો કરી ધોકા વડે માર મારતાં પાડોશી સલમાબેન રજાકભાઈ મોતીયારા (ઉ.25)ને ઈજા થયાનું જણાવ્યું હતું. બન્ને પરિવારના ધીંગાણામાં પાટડિયા પરિવારના અનિલભાઈ લાખાભાઈ પાટડિયા (ઉ.25) લાખાભાઈ જીવરાજભાઈ પાટડિયા (ઉ.50), માયાબેન સંજયભાઈ પાટડિયા (ઉ.28), વિમલ લાખાભાઈ પાટડિયા (ઉ.22), કાંતાબેન લાખાભાઈ પાટડિયા અને સરોજ અનિલભાઈ પાટડિયા (ઉ.25)ને નાની મોટી ઈજા પહોંચી હતી.