રાજકોટમાં ભગવતીપરામાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી બંગાળી યુવાને ચાની હોટલ ધરાવતા ભરવાડ શખસ પાસેથી ૫ લાખ છ ટકા વ્યાજે લીધા હોય જેના બદલામાં ૫.૪૦ લાખ ચૂકવી દીધા હતા. છતાં વધુ ૮.૫૦ લાખની માંગણી કરી ધમકી આપી યુવાનને તેની ઓફિસે લઈ જઇ લાકડી વડે માર માર્યો હતો. જેથી આ અંગે યુવાને ત્રણ શખસો વિદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, હાલ ભગવતીપરામાં યદુનંદન સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા ઇમિટેશનના ધંધાર્થી શેખ શરીફઅલી સાનોરઅલી (ઉ.વ ૩૬) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળજી સિંધાભાઈ મુંધવા તેના પુત્ર નિલેશ મૂળજીભાઈ મુંધવા અને ગોકળ ઉર્ફે ગોકોના નામ આપતા જણાવ્યું હતું કે, તે અહીં ચાર વર્ષથી રહે છે અને ઇમિટેશનનું કામ કરે છે. પોણા બે વર્ષ પૂર્વે તેને મકાન ભાડે જોતું હોય જેથી તેના પરિચિત મુળુભાઈ મારફત મૂળજીભાઈ મુંધવાનું મકાન ૩૫,૦૦૦ના ભાડા પેટે ભાડે રાખ્યું હતું.
દરમિયાન દોઢેક વર્ષ પૂર્વે યુવાનને ધંધા માટે રૂપિયાની જરિયાત હોય જેથી મૂળજીભાઈને વાત કરતા તેની પાસેથી અલગ-અલગ સમયે કુલ પાંચ લાખ છ ટકા વ્યાજે લીધા હતા અને તે મકાનનું ભાડું અને વ્યાજની રકમ ચૂકવતો હતો. જો ભાડું કે વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો મૂળજીભાઈની ચા ની દુકાને કામ કરતો ગોકળ ફોન કરી ગાળો આપી ઉઘરાણી કરતો હતો. ગત તા. ૨૯-૧૨ ના રોજ ફરિયાદીના પુત્ર સૂરજને પાડોશમાં રહેતા મકાન માલિકે માર માર્યો હતો જે વાત તેમણે મૂળજીભાઈને કરતા સમાધાન કરાવ્યું હતું. પરંતુ આ ઝઘડા બાદ ફરિયાદીના કારીગરો અહીંથી ચાલ્યા ગયા હતા જેથી યુવાને મૂળજીભાઈને કહ્યું હતું કે,હવે મારે અન્ય જગ્યાએ મકાન ભાડે રાખી ધંધો શરૂ કરવો પડશે માટે આ મકાન ખાલી કરવું છે.જેથી આરોપીએ તારે મકાન ખાલી કરવું હોય તો તે લીધેલા પૈસા પાંચ લાખના ૮.૫૦ લાખ આપવા પડશે પછી તું મકાન ખાલી કરી શકીશ તેમ કહી માર માર્યો હતો. જેથી ધંધાર્થીએ પિતા-પુત્ર સહિત ત્રણેય આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.