પડધરીનો બનાવ, સીસીટીવી ફૂટેજમાં અજાણ્યો શખસ સ્કૂટર લઈને મોવૈયા સર્કલ તરફ જતો દેખાયો
વોઇસ ઓફ ડે, રાજકોટ
પડધરીમાં આંગડીયા પેઢીનો કર્મચારી 6.90 લાખની રોકડ લઈને જતો હોય ત્યારે રસ્તામાં મોબાઇલની દુકાનમાં રિચાર્જ કરવા ઊભો રહ્યો અને પાછળથી રોકડ સાથેનું સ્કૂટર ગઠિયો લઈ ગયો હતો.બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો અનુસાર, રાજકોટ રૈયા સર્કલ જનતા ડેરીની સામે ટ્રીનીટી ટાવરમાં રહેતા ફરિયાદી પરાગ ચંદ્રકાંતભાઈ ચગ દ્વારા પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓએ 6 વર્ષથી પડધરીમાં પી.એમ આંગડીયા પેઢીના નામે ધંધો કરે છે. અને ત્યારથી જ સકીલ સુલતાનભાઈ દલ નામનો યુવક તેમને ત્યાં નોકરી કરે છે. ગત તારીખ 24/2 રાત્રીના સાડા આઠેક વાગ્યા આસપાસ સકીલનો ફોન આવેલો અને જણાવેલ કે, હું તમારા પ્લેઝર સ્કૂટરની ડેકીમાં ગ્રાહકોની રોકડ રકમ 6,90,000 રાખી ગ્રાહકોને દેવા જતો હોય ત્યારે રસ્તામાં આવતી રઝવી મોબાઇલ નામની દુકાને મોબાઇલનું રિચાર્જ કરાવવા માટે ઉભો રહ્યો હતો અને સ્કૂટર દુકાનની બહાર પાર્ક કર્યું અને ચાવી ભુલથી સ્કૂટરમાં જ રહી ગયેલી. દુકાનમાંથી બહાર નીકળતા જ યુવકને સ્કૂટર કયાંય જોવા મળેલ નહિ.
બનાવ બાદ તુરંત યુવકે મોબાઈલની દુકાનના સીસીટીવી ચેક કરતા કોઈ અજાણ્યો ચોર સ્કૂટર લઈને મોવૈયા સર્કલ તરફ જતો દેખાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોધી ગઠિયાને પકડવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.